ક્રિકેટમાં જ્યારે પણ ૬ છગ્ગા લગાવવાની વાત આવે છે ત્યારે યુવરાજ સિંહનું નામ યાદ આવે છે, પરંતુ તાજેતરમાં જ એક ખેલાડીએ ૭ બૉલમાં ૭ છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. આ ખેલાડીનું નામ છે મકરંદ પાટિલ જેણે ૭ બૉલમાં ૭ છગ્ગા ફટકારીને એક નવો જ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. મકરંદ પાટિલ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેના પિતા ખેડૂત છે.
સચિન તેંડુલકર જિમખાના ગ્રાઉન્ડમાં રમવામાં આવેલી મેચમાં પાટિલ આઠમાં નંબરે બેટિંગ માટે આવ્યો હતો અને તેણે ફક્ત ૨૬ બૉલમાં ૮૪ રનની ધુઆંધાર ઇનિંગ રમીને પોતાની ટીમ વીવા સુપરમાર્કેટને જીત અપાવી હતી.
પાટિલે એફ ડિવીઝન ટાઇમ્સ શીલ્ડ ટૂર્નામેન્ટમાં મહિન્દ્રા લૉજિસ્ટિક્સ સામે આ સિદ્ધિ મેળવી. ઉલ્લેખનીય છે કે મકરંદ વીવા સુપરમાર્કેટમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. આ ઉપલબ્ધિ મેળવ્યા બાદ પાટિલનો ફોન સતત વાગી રહ્યો છે અને તેને શુભકામનાઓ મળી રહી છે. પાટિલે જણાવ્યું કે, “જ્યારે મે ચોથો છગ્ગો માર્યો ત્યારે મને નહોતુ લાગી રહ્યું કે હું એક ઑવરમાં ૬ છગ્ગા મારી શકીશ.
ટીમનાં સાથી ખેલાડીઓ મારો ઉત્સાહ વધારી રહ્યા હતા. આ સમયે હું એવું વિચારી રહ્યો હતો અને જ્યારે મે છઠ્ઠો છગ્ગો ફટકાર્યો તો મારા સાથી ખેલાડીઓ ઉત્સાહિત થઇ ગયા હતા. આ સમયે હું એવું વિચારી રહ્યો હતો કે હું ચંદ્ર પર છું. ત્યારબાદ મે સાતમાં બૉલ પર પણ જ્યારે છગ્ગો ફટકાર્યો તો એવું લાગ્યું કે હું એક દિવસ માટે સ્ટાર બની ગયો છું.”