૨૧ વર્ષમાં કિંગફિશર સહિત ૧૨ એરલાઈન્સ બંધ થઇ ગઇ

562

નરેશ ગોયલ દ્વારા સ્થાપિત જેટ એરવેઝ સ્પાઇસ જેટ બાદ દેશની બીજી એવી એરલાઈન્સ કંપની છે જેને સંકટમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. દેશમાં જ્યારે વિમાની યાત્રીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે આ બાબતને પણ યાદ રાખવાની જરૂર છે કે, છેલ્લા ૨૧ વર્ષના ગાળામાં ૧૨ એરલાઇન્સ કંપનીઓ દમ તોડી ચુકી છે. આમાથી સૌથી મોટી ઘટના કિંગફિશર એરલાઈન્સ બંધ થવાની ઘટના છે. આ એરલાઈન્સના સ્થાપક વિજય માલ્યાએ નરેશ ગોયલના બહાર નિકળી ગયા બાદ જેટને બેંકો પાસેથી મળેલી મદદને લઇને ટિ્‌વટ મારફતે નારાજગી વ્યક્ત કરી છે. માલ્યાએ કિંગફિશરના દેવાના મોટા હિસ્સાને ઇક્વિટીમાં ફેરવી નાંખવામાં સફળતા મેળવી હતી. બેંકોને કિંગફિશરનો મોટો હિસ્સો મળ્યો હતો. માલ્યાએ ૨૦૧૧-૧૨માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પાસેથી અનેક વખત રજૂઆત કરીને કિંગફિશરને બચાવી લેવા માટે તેમાં વિદેશી એરલાઈન્સ પાસેથી રોકાણની મંજુરી આપવાની માંગ કરી હતી. કિંગફિશરને બચાવવા માટે માંગ કરવામાં આવી હોવા છતાં તેમને મંજુરી મળી ન હતી પરંતુ ઓક્ટોબર ૨૦૧૨માં કિંગફિશર બંધ થયા બાદ સરકારે નીતિ બદલી નાંખી હતી. સ્વદેશી એરલાઈન્સમાં વિદેશી એરલાઈન્સને મૂડીરોકાણ કરવાની મંજુરી આપી દેવામાં આવી હતી. બદલાયેલી નીતિના પરિણામ સ્વરુપે યુએઈની ઇતિહાદ એરવેઝે જેટ એરવેઝના ૨૪ ટકા શેર ખરીદી લીધા હતા. બીજી બાજુ તાતા ગ્રુપે સિંગાપોર એરલાઈન્સ અને એર એશિયાની સાથે મળીને બે અલગ અલગ જોઇન્ટ વેન્ચર બનાવ્યા હતા.  સવાલ એ થાય છે કે, વિમાની યાત્રીઓની વધતી જતી સંખ્યા છતાં આટલી મોટી સંખ્યામાં એરલાઈન્સ કેમ બંધ થઇ છે. ભારતીય એરલાઈન્સ કંપનીઓને ખુબ સસ્તી કિંમતમાં ટિકિટો વેચવાની ફરજ પડી છે જ્યારે ઉંચા ટેક્સના દરેથી સ્થાનિક એરલાઈન્સો માટે ફ્યુઅલ પણ ભારતમાં ખુબ ખર્ચાળ છે. વધુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવથી સમસ્યા વધારે ગંભીર બની ગઈ છે. કારણ કે, તેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા વ્યસ્ત રહેતા વિમાની મથકોની સાથે નાના વિમાની મથકો પર ટર્મિનલ્સ પર ઉંડાણ ભરવાની જગ્યા રહેતી નથી. વિમાની યાત્રાના ફેલાતા જતા બજારના મોટા હિસ્સા ઉપર કબજો જમાવવા એરલાઈન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. ખાસ કરીને લો કોસ્ટ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

Previous article૭ બૉલમાં ૭ છગ્ગા ફટકારી ખેલાડીએ યુવરાજનો રેકોર્ડ તોડ્યો
Next articleસેંસેક્સ ૧૦૧, નિફ્ટી ફરીથી ૩૮ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા