ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તેમના સ્ક્વોડ્રનમાં પરત ફર્યા છે. ગત મહિને પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાયેલા અને ત્યારબાદ બે દિવસ પછી ભારતને સોંપવામાં આવેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શ્રીનગરમાં તેમના સ્ક્વોડ્રનમાં પરત આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે તેઓ સ્વાસ્થ્યની બાબતે તે ચાર અઠવાડિયાની રજા પર છે.તેમણે કહ્યું કે વર્ધમાને રજાઓ દરમિયાન ચેન્નઈ સ્થિત પોતાના ઘર જવાના બદલે શ્રીનગરમાં તેમના સ્ક્વોડ્રનમાં રોકાવાનું નક્કી કર્યું છે. ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન લગભગ ૧૨ દિવસ પહેલા તે સમયે રજાઓ પર ગયા હતા. જ્યારે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી તેમના પરત ફર્યા બાદ તેમની સંપૂર્ણ તપાસ કરવા માટે ડીબ્રિફિંગની બે અઠવાડિયાની લાંબી પ્રક્રિયા પૂરી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિંગ કમાન્ડર વર્ધમાન તેમના માતા-પિતા સાથે સમય પસાર કરવા માટે ચેન્નઈ સ્થિત તેમના ઘરે જઇ શકતા હતા પરંતુ તેમણે શ્રીનગર જવાનું પસંદ કર્યું જ્યાં તેમની સ્ક્વોડ્રન છે. સ્વાસ્થ્ય આધાર પર લીધેલી ચાર અઠવાડિયાની રજા પછી એક મેડિકલ બોર્ડ અભિનંદનની ફિટનેસની સમીક્ષા કરશે જેથી વાયુસેનાના ટોચના અધિકારી એ નક્કી કરી શકે કે શું તે ફરીથી જેટ પાયલટની ભૂમિકામાં આવી શકે છે કે નહીં.