ભાજપના વધુ ત્રણ ઉમેદવારો જાહેર : હરિભાઈનું પત્તુ કપાયુ

900

ભાજપે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે ૧૬ ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી રાજ્ય કક્ષાના પાણી-પુરવઠા મંત્રી પરબત પટેલના નામ જાહેર કર્યા છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદોને રિપિટ કરાયા નથી. આજના ત્રણ નામો જાહેર કરાય બાદ ભાજપના વર્તુળમાં કયાંક અસંતોષ અને કયાંક નારાજગીની લાગણી પણ જોવા મળી હતી. લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ભાજપે કુલ ૧૯ ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ભાજપના મોટા નેતાઓ જેવા કે, લાલકૃષ્ણ અડવાણી, વિઠ્ઠલ રાદડીયા, પ્રભાતસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી (કેન્દ્રીય મંત્રી) અને દેવજી ફતેપરાની ટિકિટ કાપવામાં આવી છે, જેને લઇ ભાજપની છાવણીમાં પણ જોરદાર આંતરિક ચર્ચા જાગી છે.

તો, કયાંક છૂપી નારાજગી પણ પ્રવર્તી રહી છે.

ગુજરાતમાં ઉત્તર ગુજરાતની ૧૦ સીટોને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગીને લઇને ચિંતામાં છે. ત્યારે ભાજપે આજે ભારે ચર્ચા વિચારણા કર્યા બાદ પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી રાજ્ય કક્ષાના પાણી-પુરવઠા મંત્રી પરબત પટેલના નામ જાહેર કર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે, ભાજપના આ ઉમેદવારો સામે કોંગ્રેસ આ સીટો ઉપર ક્યા ઉમેદવારોને ટિકીટ આપે છે. પોરબંદર બેઠક પરથી રમેશ ધડૂકનું નામ જાહેર થતાં રાદડિયા પરિવારને ટિકિટ મળી નથી. તો, બનાસકાંઠાથી કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીની ટિકિટ કપાઈ છે, જ્યારે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણનું પણ પત્તુ કપાયું છે. જેને લઇ આ નેતાઓ અને તેમના સમર્થકો-ટેકેદારોમાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. જો કે, ભાજપે આ વખતે વિજયી બની શકે તેવા ઉમેદવારોને જ ટિકિટની ફાળવણી કરવાનું મુનાસીબ માન્યું છે અને તેથી આ વખતે કોઇ બીજા પાસા ધ્યાનમાં લીધા નથી. જો કે, પક્ષના આ વલણને લઇ આંતરિક નારાજગી પણ સામે આવી રહી છે.

Previous articleબારડનું સસ્પેન્શન યથાવત્‌, હાઇકોર્ટે રિટ અરજી ફગાવી
Next articleગુજરાતમાં તીવ્ર હિટવેવનું મોજુ : પારો હવે ૪૧ થયો