માનવ શરીરને નરવાઈ (સારૂ સ્વાસ્થ્ય) પ્રદાન કરતા પોપટા (લીલા ચણા)ની હાલ સારી આવક શહેરમાં જોવા મળી રહી છે. ઉચીત હવામાન અને સારા વરસાદને લઈને આ વર્ષે ચણાનું મબલક ઉત્પાદન થવાનો આશાવાદ ખેડૂતો કરી રહ્યાં છે.
આયુર્વેદ વિજ્ઞાન તથા તબીબ જગત લોકોને ૧ર માસ દરમ્યાન શરીર તંદુરસ્ત રહે તે માટે શિયાળાની સિઝનમાં કસરત, યોગાભ્યાસ સાથોસાથ માત્ર શિયાળામાં પ્રકૃતિ દ્વારા પ્રદાન કરાતા અને ઔષધિય ગુણોથી સમૃધ્ધ આહાર લેવાનો આગ્રહ કરે છે. હજારો વર્ષો જુના પુસ્તકોમાં પણ ઉલ્લેખ છે એવા શેરડી, લીલા ચણા, શિંગોડા, નિરો, ખજુર, બોર સહિતની સામગ્રીનું શિયાળામાં સેવન શરીરને અપાર લાભાલાભ પ્રદાન કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે લીલા ચણા (પોપટા)ની વાત છે. શરીરને શક્તિ સ્ફુર્તિ, તરોતાજગી સાથે યુવાની અકબંધ રાખવાના શ્રેષ્ઠ ગુણોનો ભંડાર લીલવા ચણામાં હોય છે. ભાવનગરમાં હાલ ધંધુકા, તારાપુર આણંદ અને સુરેન્દ્ર અને પાટડી ગામેથી લીલા ચણાની પુષ્કળ આવક થઈ રહી છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્તમાન સમય સુધી ચણાના પાકને માફક આવે તેવું હવામાન હોય આથી ચણાના પાકમાં પુષ્કળ ઉતારો આવવાની પુરેપુરી શક્યતા રહેલી છે સાથોસાથ ભાવ પણ ઘટશે આથી ગરીબ વર્ગને પણ ગ્રાહ્ય થશે.