અમિત શાહની રેલીને લઈ નનામી પત્રિકા વાઈરલ, દૂધ મંડળીઓના ચેરમેનને હાજર રહેવા હુકમ

696

૩૦ માર્ચના રોજ ભાજપના ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારીપત્ર ભરશે. શાહની આ ઉમેદવારીને લઈ આજે એક નનામી પત્રિકા ફરતી થઈ છે. જોકે ભાજપ તરફથી આ પત્રિકાની પુષ્ટી કરાઈ નથી. જેમાં દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, ૩૦-૩-૨૦૧૯નો કાર્યક્રમ, દરેક મંડળીઓના ચેરમેન તથા સેક્રેટરી ને જણાવવાનું કે, આ કાર્યક્રમમાં એક જ પરિવારના એક બેન અને એકભાઈ મુજબ, કુલ ૩૦થી વધુ સંખ્યામાં આવવું ફરજીયાત છે. જેની દરેક દૂધ મંડળીઓએ ગંભીર નોંધ લઈ તે માટે જરૂરી વાહન તથા સંખ્યાની યાદી તૈયાર કરવી. દરેક મંડળીની હાજરીની નોંધ લેવાશે.જેથી કોઈપણ પ્રકારનું બહાનું ચાલશે નહીં.

કાર્યક્રમ અંગે સુચનાઓ આપી આગળ લખ્યું છે કે, સ્ટીલના ઘડા સાથે શ્રીફળ લાવવુ, આ કાર્યક્રમમાં પતિ અને પત્નીને આવવું તથા બાળકો ન આવે તેનું ધ્યાન રાખવું. આ કાર્યક્રમમાં હાજરી આપવા ૨૯ માર્ચના રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં આવવાનું રહેશે(રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે). રાત્રિ રોકાણ હોવાથી દાતણ કે ટૂથ બ્રશ અને પેસ્ટ સાથે લાવવી. આ યાત્રાનું સેક્રેટરી તથા સ્ટાફે સંકલન કરવાનું રહેશે, જેથી દરેકના મોબાઈલ નંબર સાથેની યાદીની બે કોપી તૈયાર કરવી.

અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા માટે સવારના ૧૦ વાગ્યે ગાંધીનગરના ભાજપ કાર્યાલયથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી રોડ શૉ કરશે. જેમાં ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે. બપોરે ૧૨ઃ ૩૯ ના વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારીપત્ર ભરશે.

 

Previous articleકમલમ્‌ ખાતે ભાજપનું મહામંથનઃ લોકસભા ચૂંટણી લડવા અંગે નીતિન પટેલે કર્યો ખુલાસો
Next articleકોંગ્રેસને ફટકોઃ એનસીપી અને બીટીપીની ગઠબંધન કરવાની મનાઇ