અમદાવાદ ખાતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી કે તેઓએ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર અમે મેદાને ઉતારીશું , જ્યાં સુધી કોંગ્રેસને સમર્થન આપવાની વાત છે તો ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. એનસીપી નેતા જયંત બોસ્કીએ જણાવ્યું કે અમે કોંગ્રેસને અનેક વખત ગઠબંધન માટે વાત કરી પરંતુ તેઓ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. ત્યારબાદ અમે મોવડીમંડળની બેઠક બોલાવી અને તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું નક્કી કર્યું છે. તથા બાય ઇલેક્શન પણ અમે લડીશું. તમે કોના મત તોડશો ભાજપ કે કોંગ્રેસના આ સવાલના જવાબમાં જયંત બોસ્કીએ કહ્યું કે અમે કોઇની બી ટીમ નથી.
તો આદિવાસી બેલ્ટની ૮ બેઠકોમાં મજબૂત પકડ ધરાવતી બિટીપી પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે માહિતી આપતાં છોટું વસાવાના પુત્ર મહેશ વસાવાએ જણાવ્યું કે વલસાડ, બારડોલી, વડોદરા, નવસારી સહિતની ૮ આદિસાવી બેઠકો પર અમે ઉમેદવારો ઉતારીશું. મહેશ વસાવાએ જણાવ્યું કે જે રીતે દેશમાં કોંગ્રેસ શાસન કરે છે તે અમારી વિચારધારા સાથે મેળ નથી ખાતી. જો કે બીટીપીએ રાજ્યસભા અને જિલ્લાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું હવે તેઓ લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાટી એકલાહાથે ચૂંટણી લડશે.