અમેરિકાના વેસ્ટર્ન કોસ્ટ સિટી સિટલમાં બુધવારે ફાયરિંગની ઘટના બની હતી જેમાં બે લોકોનાં મોત થયા છે અને ૨ ઘાયલ થયા છે. મૃતકોમાં એક કાર ચાલક પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંદિગ્ધ આરોપી તેના લેક સિટીમાં આવેલા મકાનમાંથી બહાર આવ્યો અને ફિમેલ ડ્રાઇવરને ધમકાવીને કાર હાઇજેક કરવાની કોશિશ કરી. તેણે ૫૭ વર્ષીય ફિમેલ ડ્રાઇવરને ગોળી મારી. ત્યારબાદ એક મેટ્રો બસ પર ઓપન ફાયરિંગ કર્યુ અને મેલ કંડક્ટરને ઘાયલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તે સમયે તેણે બીજું વાહન હાઇજેક કર કર્યુ, આ સમયે પણ ફાયરિંગ કરી ડ્રાઇવરની હત્યા કરી. ૭૦ વર્ષીય અન્ય એક વાહનચાલકે આ આરોપીની કારનો પીછો કર્યો હતો, તેઓને પણ થોડીઘણી ઇજા થઇ છે.
ફાયરિંગના મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સિટલ પોલીસે ટ્વીટર પર કહ્યું કે, અમે ઘટનાની તપાસ કરી રહ્યા છે. સ્થાનિક સમય અનુસાર, સાંજે ચાર વાગ્યે એક ભીડવાળા બસ સ્ટોપ પર આવેલી મેટ્રો બસમાં ફાયરિંગ થયું. બસ ડ્રાઇવરે ગોળી લાગ્યા બાદ સુચના આપવા માટે ઇમરજન્સી એલાર્મ ચાલુ કરી દીધું હતું. જેના કારણે બસમાં બેઠેલા અન્ય યાત્રીઓને નુકસાન નથી પહોંચ્યુ.