અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે અમદાવાદની સેશન્સ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ચકચારભર્યા એવા આ કેસમાં સંડોવાયેલા દસ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા અને તેમને અલગ-અલગ સજા ફટકારતો મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ આ કેસના મુખ્ય સૂત્રધાર આરોપી વિનોદ ડગરીને દસ વર્ષની સખત કેદની સજા, અરવિંદ ઉર્ફે ઘનશ્યામને સાત વર્ષ અને અન્ય આઠ મહિલા આરોપીઓને બબ્બે વર્ષની સજા ફટકારી હતી.
સેશન્સ કોર્ટે શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ પૈકી કાગડાપીઠ કંટોડિયા વાસના લઠ્ઠાકાંડ કેસમાં આ ચુકાદો આપ્યો હતો. હજુ ઓઢવ સહિતના વિસ્તારના લઠ્ઠાકાંડના કેસનો ચુકાદો બાકી છે. ચકચારભર્યા આ કેસમાં રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર અમિત પટેલે મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગત તા.૭-૭-૨૦૦૯ના રોજ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં શહેરના કાગડાપીઠના કંટોડિયાવાસ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૨૩ જણાંના મોત નીપજયા હતા, જયારે ૧૭૫ લોકોને લઠ્ઠાકાંડની અસર થઇ હતી. જેમાં કેટલાકની તો આંખો પણ જતી રહી હતી. આ જ પ્રકારે ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૨૨ લોકોનાં મોત નિપજ્યાં હતા. આરોપીઓના ગંભીર ગુનાહીત કૃત્યના કારણે કેટલાય નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા અને કેટલાયને તેની ઝેરી અસર થઇ હતી.
આરોપીઓનો ગુનો એ સમાજવિરોધી ગુનો છે અને તેમના આ ગુનાહીત કૃત્યથી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ સંજોગોમાં આરોપીઓ વિરૂધ્ધના નક્કર પુરાવા, કેસના દસ્તાવેજો અને હકીકતોને ધ્યાનમાં લઇને કોટઆરોપીઓને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. ચકચારભર્યા એવા આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી, રાજેન્દ્રસિંહ, જયરામ પવાર સહિત ૬૨ આરોપીની ધરપકડ કરાઇ હતી. તે પૈકીના ૨૭ આરોપીને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કેસની ટ્રાયલ ડે ટુ ડે ચલાવવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં વર્ષ ૨૦૧૦થી આ કેસનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, ફેબ્રુઆરી ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટમાં આરોપીઓએ જામીન અરજી ફાઇલ કરી હતી. આ જામીન અરજીમાં લઠ્ઠાકાંડના કેસનો ઝડપી નિકાલ આવે તે માટે કેસ ડે ટુ ડે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. આજે લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા ૨૨ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ૧૦ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય ૭ સહિત મહિલાઓનો સમાવેશ થાય છે.