લોકસભા ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ આ વખતે રાજકીય રીતે સૌથી ઉપયોગી રહેલા ઉત્તરપ્રદેશમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. એકબાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોતે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ તેમના બહેન પ્રિયંકા વાઢેરા પણ પ્રચારમાં લાગેલા છે. આ વખતે પાર્ટીમાં વિધિવત રીતે સામેલ થયા બાદ અને પાર્ટીમાં મોટી જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા પણ સક્રિય રીતે કાર્યકરોની વચ્ચે પહોંચી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીની પણ અનેક રેલીઓ થનાર છે. હાલના કાર્યક્રમ મુજબ ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધી ૧૫થી ૧૮ મોટી રેલી કરનાર છે. જેમાં કોંગ્રેસના મહાસચિવ સહિત ટોપના નેતાઓ સામેલ રહેશે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસ પ્રમુખની મોટી રેલી લખનૌ, ફેજાબાદ, બારાબંકી, સારનપુર, ગાજિયાબાદ, બરેલી, ફતેહપુર સિકરી, અલીગઢ, કુશીનગર, પ્રતાપગઢ, અલ્હાબાદ, કાનપુર, અને ઝાંસીનો સમાવેશ થાય છે. અન્ય સ્થળો પર પણ કાર્યકરો અને પ્રદેશ એકમ દ્વારા માંગણી કરવામાં આવ્યા બાદ રેલી થઇ શકે છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં તેની ગુમાવેલી પ્રતિષ્ઠાને હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. હાલમાં પાર્ટી સૌથી નબળી સ્થિતીમાં છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી. જેમાં રાયબરેલી અને અમેઠી બેઠકોનો સમાવેશ થાય છે. આ વખતે તેની પાસે પ્રમાણમાં સીટો વધારે આવી શકે છે. જો કે કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ નથી. જેથી આનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. રાહુલ અને પ્રિયંકાના કાર્યક્રમો તૈયાર કરી લેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં છેલ્લા કેટલાક દિવસથી રહ્યા છે. ન્યાય સ્કીમ લવાયા બાદ આની પણ ચર્ચા મતદારોમાં છે.