હિંમતનગરમાં બુધવારે પાણીના ટાંકામાંથી એક યુવકની લાશ મળી આવ્યા બાદ ગુરૂવારે પણ હાથમતી નદીના પટમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ હિંમતનગર ફાયર બ્રિગેડ અને પોલીસને થતા બંને ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે યુવકની લાશને બહાર કાઢી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર શહેરના ભીલવાસ વિસ્તારની સ્કુલ પાછળ ગુરૂવારે બપોરના સુમારે હાથમતી નદીના પટમાં કોઇ યુવકની લાશ તરતી હોવાની જાણ પોલીસને તેમજ હિંમતનગર નગર પાલિકા ના ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના અધિકારી પ્રતાપસિંહ દેવડા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે નદીના પટમાં પાણીમાં ઊગી ગયેલી વનસ્પતિ વચ્ચે તરતી યુવકની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.મૃતક યુવકની લાશ ફોગાઇ જતા ભારે દુર્ગંધ મારતી હતી. ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ જાણ થતા પોલીસે મૃતક યુવકની લાશની ઓળખ કરવા માટે પ્રયાસ કરતા મૃતક યુવક રમેશભાઇ બાલાજી ભીલ (ઉ.વ.૨૭) હોવાનું ધ્યાને આવ્યુ હતું. અત્યારે તો મૃતક યુવકનું નદીના પટમાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન સ્થાનિક પોલીસ કરી રહી છે.
પરંતુ મૃતક યુવકની લાશના પી.એમ. બાદ મોતનું રહસ્ય બહાર આવશે તેમ મનાઇ રહ્યુ છે. હિંમતનગરમાં બુધવારે પણ એક કોમ્પલેક્ષના પાણીના ટાંકામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવ્યા બાદ બીજા દિવસે ગુરૂવારે પણ વધુ એક યુવકની લાશ મળી આવતા સ્થાનિક પોલીસ સાથે ફાયર બ્રિગેડનું તંત્ર બે દિવસથી દોડતુ રહ્યુ હતું.