ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પર પહોંચી જવા સાથે અત્યાર સુધીમાં મોસમનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ગરમીના પ્રમાણ એકાએક વધારો થતા લોકોની મુશ્કેલી પણ હવે વધી હતી. ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયુ જે બુધવાર કરતાં ૨.૫ ડિગ્રી વધારે હતું.
જ્યારે લઘુત્તમ તાપમાન પણ યથાવત્ જેવું ૨૧.૨ ડિગ્રી રહ્યુ હતું. સત્તાવાર ઉનાળાની શરૂઆત સાથે આકરી ગરમીથી નગરવાસીઓ પરેશાન થઇ ગયા હતા.
ગાંધીનગર શહેરમાં આખરે સૂર્ય દેવ આકરા બનતા પારો ૪૦ ડિગ્રી પર પહોંચી ગયો હતો. બપોરે તો શહેર જાણે સુમસામ બની ગયુ હતું. ગરમીના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યુ હતું અને ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કર્યુ હતું. મોડી સાંજે તડકો ઓછો થતાં બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી હતી. મહત્તમ તાપમાનનાં એક સાથે ૨.૫ ડિગ્રી વધી જતાં નગરવાસીઓ અકળાઇ ગયા હતાં. ઉનાળો ધીરે ધીરે તપતો થઇ રહ્યો છે. ત્યારે ગતવર્ષ ૨૦૧૮માં ૨૫મી માર્ચના રોજ ૪૦ ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન પહોચ્યુ હતું. જ્યારે ૧૯૯૧ના વર્ષમાં આ તારીખે ગરમીનો પારો ૪૨ ડિગ્રી પર પહોંચ્યો હતો.
ઉનાળાની શરૂઆતે લીંબુના ભાવમાં જબરદસ્ત ઉછાળો
ઉનાળાની ગરમી અત્યારથી જ ગુજરાતીઓને દઝાડી રહી છે. હજુ તો ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ તોતીંગ વધારો થઇ રહ્યો છે. લોકો ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે.
ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા ૬૦ના કિલો મળતાં હતાં. પરંતુ હાલમાં રૂપિયા ર૦ના માત્ર સો ગ્રામ મળે છે. લીંબુ અત્યારે રિટેઈલમાં રૂપિયા ર૦૦ના કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે.
હાલમાં લીંબુના હોલસેલ ભાવ ૧૦૦ થી ૧ર૦ છે તો રિટેલ બજારમાં ૧૮૦ થી ર૦૦ રૂપિયા પહોંચી ગયા છે. ગુજરાતમાં લીંબુની સિઝન પૂરી થઇ ગઇ છે ત્યારે હવે માર્કેટમાં કર્ણાટકના, આંધ્રપ્રદેશના અને મહારાષ્ટ્રના લીંબુ આવતાં થયાં છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો ઉપયોગ અમૃત સમાન ગણાય છે, પરંતુ લીંબુના ભાવમાં ઉનાળામાં જ બેહદ વધારો જોવા મળ્યો છે.