બજારમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા ૧૯૨૫ની સામે સરકારે ટેકાના ભાવ રૂપિયા ૧૮૪૦ નક્કી કરાતા ખેડુતોમાં ઘઉંના ટેકાના ભાવે વેચાણ કરવામાં નિરસતા જોવા મળી રહી છે. જિલ્લાના ૨૦૦ ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી તેની સામે અત્યાર સુધીમાં માત્રને માત્ર ૧૨ ખેડુતોએ ૪૪૯.૨૫ ક્વીન્ટલ ઘઉંનું વેચાણ કર્યું છે.
ચાલુ વર્ષે શિયાળાની જમાવટને પગલે શિયાળું પાક એવા ઘઉંનું વાવેતર ૨૫૮૬૧ હેક્ટર જમીનમાં વાવેતર થવા પામ્યું હતું. જોકે સતત બે માસ સુધી ઠંડીની જમાવટને પગલે ઘઉંનો પાક સારો થતા ઉતાર સામાન્ય કરતા ૨૦ ટકા જેટલો વધારે રહેવાની શક્યતા રહેલી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંને ટેકાના ભાવે ખરીદી કરાશે. પરંતુ બજાર ભાવ કરતા ટેકાના ભાવ રૂપિયા ૮૫ ઓછો હોવાથી ઓનલાઇન નોંધાયેલા ૨૦૦માંથી માત્રને માત્ર ૧૨ ખેડુતોએ ૪૪૯.૨૫ ક્વિન્ટલ ઘઉંનું વેચાણ ટેકાના ભાવે કર્યું છે.
જિલ્લાના તાલુકાવાર ઘઉંના ઉત્પાદનની માહિતી, ગાંધીનગર તાલુકામાં ૫૩૪૬ હેક્ટર જમીનમાં ઘઉંના વાવેતરથી ૧૮૭૦૭૩૦૪ કિલો ઘઉંનું ઉત્પાદન થશે. દહેગામ તાલુકામાં ૬૫૫૭ હેક્ટર જમીનમાં ઘઉંના વાવેતરથી ૨૨૯૩૬૩૮૬ કિલો ઘઉંનું ઉત્પાદન થશે. કલોલ તાલુકામાં ૮૧૫૦ હેક્ટર જમીનમાં ઘઉંના વાવેતરથી ૨૮૫૦૮૭૦૦ કિલો ઘઉંનું ઉત્પાદન થશે. માણસા તાલુકામાં ૫૮૦૬ હેક્ટર જમીનમાં ઘઉંના વાવેતરથી ૨૦૩૦૯૩૮૮ કિલો ઘઉંનું ઉત્પાદન થશે જિલ્લામાં ઘઉંનું ૯૦૪૬૧ મેટ્રીક ટન ઉત્પાદનની શિયાળું પાક માટે ફેવરેબલ વાતાવરણ રહેતા જિલ્લામાં સામાન્ય કરતા ચાલુ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદનની શક્યતા ખેડુતો રાખી રહ્યા છે. ઉત્પાદનની એવરેજને પગલે કુલ ૯૦૪૬૧ મેટ્રીક ટન ઘઉંનું ઉત્પાદનની થશે.
બજાર ભાવ કરતા સરકારના ઘઉંના ટેકાના ભાવ ઓછા હોવાથી જે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી દીધી છે. તેવા ખેડુતોને નુકશાન થવાની શક્યતા રહેલી છે. આથી કેન્દ્ર ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરે તેવી માંગ ખેડુતોમાં થઈ છે.