ગુજરાતમાં તીવ્ર હિટવેવનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના અનેક શહેરોમાં પારો ૪૨થી પણ ઉપર પહોંચ્યો હતો. કેટલીક જગ્યાઓએ પારો ૪૩ ઉપર પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમરેલીમાં ૪૩ સુધી પારો પહોંચ્યો હતો જ્યારે અમદાવાદમાં ૪૨.૨, રાજકોટમાં ૪૨, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, ભુજમાં ૪૨.૨ સુધી પારો પહોંચી જતાં લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરતા નજરે પડ્યા હતા. બીજી બાજુ ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. શહેરમાં હોળાષ્ટક જતા જ ગરમીનું પ્રમાણ વધે છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર પહોંચ્યુ છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯થી ૪૨ ડિગ્રીની આસપાસ નોધાયો હતો. અમદાવાદમાં આજે ગરમીનો પારો ૪૨ ડિગ્રી નોંધાયો હતો. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાંપંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે.
આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.