ઉત્તરપ્રદેશના ચૂંટણી જંગમાં રાજ્યમાં પોતાની પાર્ટીની સ્થિતિ મજબૂત કરવામાં લાગેલા પ્રિયંકા ગાંધીએ આજે અયોધ્યામાં મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પાંચ વર્ષ સુધી દુનિયાભરના નેતાઓને ગળે લગાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાના લોકોને ગળે મળવાનો સમય નથી. મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ગામમાં લોકોને મળવા માટે ગયા નથી. પ્રિયંકાએ વોટરોને કહ્યું હતું કે, તેઓ કેટલીક ફરિયાદ ધરાવે છે જ્યારે નેતા તેમની પાસે આવે ત્યારે તેમને ભય હોવો જોઇએ. પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ સરકાર જનતા વિરોધી, કિસાન વિરોધી અને યુવા વિરોધી છે. આ સરકાર કામ કરવા માટે ઇચ્છુક નથી. આ સરકારને માત્ર ઉદ્યોગપતિઓમાં રસ છે. યુવાનો અવાજ ઉઠાવે તો તેમને લાઠીચાર્જનો સામનો કરવો પડે છે. ભાજપના શાસનકાળમાં બેરોજગાર પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને તેમની કોઇ મદદ કરવા માટે તૈયાર નથી.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું છે કે, મહિલાઓ કહે છે કે તેઓ સુરક્ષિત નથી. વારાણસીમાં લોકો કહે છે કે, માત્ર દેખાવા પુરતા વિકાસની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. મોદી વારાણસીના એક ગામમાં પણ ક્યારે ગયા નથી. મોદી પોતાના વચનો ઉપર કાયમ રહી શક્યા નથી. આ તમામ બાબતો દર્શાવે છે કે, ઉદ્યોગપતિઓમાં જ મોદી સરકારને રસ છે. કોંગ્રેસ સરકારના ગાળામાં મનરેગાની સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેનો ભાજપે વિરોધ કર્યો હતો. મનરેગા યોજના ગ્રામિણ વિસ્તારોમાં લોકોને પસંદ પડી હતી. આજે મનરેગા હેઠળ કામ કરી રહેલા લોકોને છ-છ મહિના સુધી પૈસા મળી રહ્યા નથી. મનરેગાના કામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી રહ્યા છે. આ યોજનાને બંધ કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે.