હાર્દિક ચૂંટણી નહીં લડી શકે : સજા ઉપર સ્ટે મુકવાનો કોર્ટનો ઇનકાર

706

વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં અને બે વર્ષની સજા ફરમાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજીના કેસમાં ગુજરાત હાઇકોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો આજે જાહેર કર્યો હતો. જેમાં હાર્દિક પટેલને બહુ મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જી.ઉરેઝીએ હાર્દિક પટેલની અરજી આકરા વલણ સાથે ફગાવતાં લોકસભાની આગામી ચૂંટણીમાં હવે હાર્દિક પટેલ પોતાની ઉમેદવારી નહી કરી શકે. હાઇકોર્ટે હાર્દિક પટેલને દોષિત ઠરાવતાં ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ગણાવ્યો હતો. આમ, હાર્દિક દોષિત બરકરાર રહેતાં લોક પ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી માર્ગદર્શિકાના નિયમો મુજબ, તે હવે આગામી લોકસભા ચૂંટણી નહી લડી શકે. જો કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા સામે હાર્દિક પટેલ સુપ્રીમકોર્ટમાં અરજન્ટ પિટિશન મુવ કરે તેવી પણ પૂરી શકયતા છે કારણ કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. હાર્દિક પટેલની અરજી ફગાવતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર હાર્દિક પટેલ વિરૂધ્ધ અગાઉ પણ ભડકાઉ ભાષણ, તોડફોડ, કોમી વૈમનસ્ય ફેલાવવા સહિતના ૧૭થી વધુ જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. આમ, તેઓનો ભૂતકાળ ગુનાહિત છે આ હકીકત પણ ધ્યાનમાં લેતાં તેમને પ્રસ્તુત કેસમાં કોઇ રાહત મળી શકે તેમ નથી. વધુમાં, હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમકોર્ટે તેના સંબંધિત ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે કેવા અપવાદરૂપ સંજોગો અને કેસ હોય તો ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજાનો ચુકાદો કે હુકમ સ્ટે થઇ શકે. પ્રસ્તુત કેસમં હાર્દિક પટેલનો સજાનો કેસ એવા અપવાદરૂપ સંજોગો કે કેસમાં આવતો નથી અને તે કારણથી પણ હાર્દિક પટેલની અરજી ગ્રાહ્ય રાખી શકાય નથી.

હાઇકોર્ટે સીઆરપીસીની કલમ-૩૮૯ હેઠળ સજાનો હુકમ સ્ટે કરવાની અરજી વખતે પુરાવાનું મૂલ્યાંકન કરવાની માંગણી પણ ગ્રાહ્ય રાખી ન હતી કારણ કે, સુપ્રીમકોર્ટ અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, આ તબક્કે પુરાવાનું મૂલ્યાંકન કરવું જરૂરી નથી. રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ હાર્દિકની અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ વિરૂધ્ધ વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં સક્રિય અને ગંભીર સંડોવણી પુરવાર થાય છે.

અને તેને લઇ ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠરાવતો કરેલો હુકમ બિલકુલ યોગ્ય અને વાજબી છે. વળી, લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિકે હાઇકોર્ટ પાસેથી જયાં સુધી રાહત માંગી છે તો એ મુદ્દે સરકારે એવી રજૂઆત કરી હતી કે, સમાજમાં કે લોકોની સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બનવાની જરૂર નથી, જો સાચી નિષ્ઠા હોય તો લોકપ્રતિનિધિ બન્યા વિના પણ સેવા કરી શકાય છે. સરકાર તરફથી હાઇકોર્ટને ખાસ અનુરોધ કરાયો હતો કે, અદાલતે હાર્દિક પટેલનો ગુનાહીત ઇતિહાસ પણ ધ્યાને લેવો જોઇએ. જો આવા લોકોને લોકસભાની ચૂંટણી લડવા દેવાની મંજૂરી આપવામાં આવે તો તેનાથી સમાજમાં વિપરીત સંદેશો જાય. હાર્દિક પટેલને કાયદાનો કોઇ ડર નથી, તેણે ઘણા આંદોલનો કર્યા છે અને કોર્ટમાં આપેલી બાંહેધરી કે શરતોનું પણ પાલન કર્યું નથી. હાર્દિકને મહિલાઓ કે અન્ય સમાજ માટે પણ માન નથી. જન પ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવુ જરૂરી નથી. મહાત્મા ગાંધી કયારેય ચૂંટણી લડયા ન હતા પરંતુ તો પણ તેમણે રાષ્ટ્રપિતા બની દેશની જનતાની સેવા કરી જ હતી. હાર્દિકની સામે રાજદ્રોહ સહિતના ૧૭થી વધુ કેસો નોંધાયેલા છે. હાર્દિક જયારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે અને કોમી વૈમનસ્યનું વાતાવરણ ફેલાવે છે.ખાસ કરીને તેને કાયદા કે ન્યાયતંત્ર માટે માન નહી હોવાની ઘણી વાતો સામે આવી ચૂકી છે ત્યારે હાઇકોર્ટે તેને કોઇપણ પ્રકારની રાહત આપવી જોઇએ નહી અને તેની હાલની આ અરજી આકરા વલણ સાથે ફગાવી દેવી જોઇએ.

Previous articleમોદી દેશના ૫૦૦ સ્થળો પર લોકો સાથે સીધો સંવાદ કરશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે