ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો કાર્યક્રમ જાહેર થવાની સાથે આદર્શ આચારસંહિતાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો તેમજ તેમના ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં વિવિધ ખર્ચ તથા શંકાસ્પદ લાગતી રોકડની હેરફેર પર નજર રાખવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે નિયુક્ત કરવામાં આવેલાં ખર્ચ નિરીક્ષક શ્રીમતિ સુષ્મિતા ભટ્ટાચાર્યએ આજે ભાવનગરની મુલાકાત લઈ, કલેક્ટર કચેરી ખાતે વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
ભાવનગર જિલ્લામાં ૨૮ માર્ચના રોજ ઉમેદવારી પત્રો ભરવા માટે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડવાના દિવસથી તા. ૨૩ અપ્રિલ સુધી એટલે કે, મતદાનના દિવસ સુધીમાં ચૂંટણી ખર્ચ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતી જાહેરાતો અને પેઇડ ન્યૂઝ, રોકડ નાણાંની હેરફેર તેમજ બેન્કોમાં થતાં શંકાસ્પદ વ્યવહારો પર ચાંપતી નજર રાખવા માટે ખર્ચ નિરીક્ષક સમિતિની રચના કરી તેના વિવિધ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે નિયુક્ત કરવામાં આવેલાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સુષ્મિતા ભટ્ટાચાર્યએ આજે આ તમામ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી, કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારના આર્થિક વ્યવહારોમાં કોઈ પણ પ્રકારની શંકા જણાય, તો સંલગ્ન સમિતિએ તાત્કાલિક તેની તપાસ કરી જરૂરી આધાર-પુરાવાઓ મેળવવાના રહેશે તેમજ આ માટે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઉમેદવારો સાથે બેઠક યોજી, તેમને જરૂરી માહિતી તેમજ સૂચનાઓ આપવા પણ ઉમેર્યું હતું.