દિલ્હીનાં કે.ડી. જાધવ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનાં પાંચ ખેલાડીઓએ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓલિમ્પિકમાં રજત ચન્દ્રક વિજેતા પીવી સિંધુ વુમન્સ સિંગલ્સ, કિદામ્બી શ્રીકાન્ત અને પારુપલ્લી કશ્યપ મેન્સ સિંગલ્સના અંતિમ-૪માં પહુંચવામાં સફળ રહ્યા છે. જ્યારે મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડી મેન્સ ડબલ્સની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
આ ટુર્નામેન્ટમાં વધુ એક ભારતીય શટલર એચએસ પ્રણયના અભિયાનનો અંત આવ્યો હતો. પ્રણય ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યો હતો. જેમાં તેની ટક્કર ડેનમાર્કનાં વિક્ટર એક્સલસેન સામે થતાં ૧૦-૧૨, ૧૬-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સિંધુએ વુમન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવી હતી. બ્લિચફેલ્ડટ હાલ વર્લ્ડ રેન્કિંગ ૨૨ જ્યારે સિંધુ ૬ ક્રમે છે.
હવે સેમિફાઈનલમાં સિંધુની ટક્કર વર્લ્ડ રેન્કમાં ૭માં ક્રમાંકની ચીની શટલર બિંગજિયાઓ સાથે થવાની છે. બિંગ જિયાઓ અને સિંધુ અત્યારસુધીમાં ૧૩ વખત કોર્ટ પર સામ સામે આવી છે. જેમાં બિંગજિયાઓ ૮ અને સિધુ ૫ વખત જીતી ચૂકી છે.