એનઆઈસીએમ કેમ્પસ ખાતે હેપ્પી રક્તદાન શિબિરમાં ૪૦ યુનિટ્‌સ રક્ત એકત્ર થયું

619

ગાંધીનગરની ચ-૦ સર્કલ નજીક ઇન્ફોસિટીના ગેટ નં.૧ પાસેની શ્રી જયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “હેપ્પી યુથ ક્લબ” ના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦મી માર્ચ શનિવારે એનઆઈસીએમ કેમ્પસ ખાતે ભારતના તમામ વીર શહીદ જવાનોને સ્મરણાંજલિના ભાગ રૂપે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૪૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ સાથે કેમ્પસમાં નિઃશુલ્ક આંખોની તપાસ માટે “દીવા આઈ ચેકઅપ કેમ્પ”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૮૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને પોતાની આંખોની તપાસ કરાવી હતી. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ઇંડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા અંતર્ગત કલોલ શાખા દ્વારા પૂરી પાડવામાં આવી હતી જ્યારે આંખોની તપાસ માટેની સેવા અમદાવાદની દીવા આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્ત કોઈ જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે  જીવન બચાવવા ઉપયોગી નીવડશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”નો હેતુ યુવાનો સહિત જાહેર જનતામાં મહાન ભારતના વીર શહીદ જવાનોના બલિદાન પ્રત્યે સન્માન અને ગર્વ સાથે તેમનું સ્મરણ કરવાનો હતો.

આ રક્તદાન શિબિર દરમ્યાન શ્રી જયરામભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટના ટ્રસ્ટી જયપ્રકાશભાઈ પટેલ, ડાયરેક્ટર ડો. બી. કે. નિર્મલ, ઇંડિયન રેડક્રોસ્સ સોસાયટીના જિલ્લા શાખાના પ્રમુખ જીલુભા ધાંધલ, કલોલ શાખાના સેક્રેટરી દિલીપભાઇ દવે, ગાંધીનગર જિલ્લા શાખાના નિલેંદુભાઈ વોરા અને અશ્વિનભાઈ  દવે, હેપ્પી યૂથ ક્લબના કોશાધ્યક્ષ ભાવના રામી, એસજેપીઆઈના પ્લેસમેંટ હેડ યશ ભટ્ટ તથા લાઈબ્રેરીયન હરપાલસિંહ ઝાલા સહિત તમામ સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓ તથા સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતા ને પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ રૂપે “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર રક્તદાન કેમ્પ તથા આઈ ચેકઅપ કેમ્પમાં એસજેપી આઇની આરોહણ સ્ટુડન્ટ ટીમ દ્વારા વ્યવસ્થા અને સંકલન અંગે પ્રસંશનીય સેવાઓ આપવામાં આવી હતી.

Previous articleરોજર ફેડરર મિયામી ઓપનના ફાઇનલમાં પહોંચ્યો
Next articleગરમીનો પારો વધુ ઊંચકાતા લોકો ત્રાહિમામ, રાજકોટમાં યેલો એલર્ટ