ભવ્ય રોડ શો બાદ અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

704

ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમિત શાહે ભગવા પાર્ટીના ગઢ ગણાતા ગાંધનગરમાં એનડીએમાં સામેલ સાથી પક્ષોના નેતાઓની સાથે ચાર કિલોમીટર સુધી રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે નામાંકન માટે શુભ મૂહુર્તની પસંદગી કરી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં સવારે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ સાથે રોડ શોની શરૂઆત  થઈ હતી. ત્યારબાદ ઘાટલોડિયાવિસ્તારમાં પાટીદાર ચોક ઉપર રોડ શોની પૂર્ણાહુતિ થઈ હતી. રોડ શોમાં એનડીએના તમામ નેતાઓ જોડાયા હતા. રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગરમાં લોકસભા સીટ પર ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. ગુજરાતમાં તમામ ૨૬ સીટો પર ૨૩મી એપ્રિલે મતદાન થશે. ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપના ટોચના દિગ્ગજ રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરી સાથે ભવ્ય મેગા રોડ શો યોજ્યા બાદ ગાંધીનગર ખાતે લોકસભા બેઠક માટે નામાંકન પત્ર ભર્યું હતું. ભાજપે અને સાથી પક્ષોએ પણ દેશને અને વિપક્ષોને એ સંદેશ પણ આપ્યો હતો કે એનડીએ એક થઇને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યો છે.  આજે વહેલી સવારથી જ કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ્થાન નારણપુરા ખાતે ઊમટી પડ્‌યા હતા. પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હતો. અમિત શાહ સવારે પોતાના પરિવાર સાથે ઘરની બહાર આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની, દીકરો, પુત્રવધૂ અને પૌત્રી હતાં. અમિત શાહે તેમની લાડકી પૌત્રીને વહાલ કરીને રોડ શોની શરૂઆત કરી હતી અને મોટી સંખ્યામાં મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સરદાર પટેલના બાવલાને પુષ્પહાર કરી પ્રણામ કર્યા હતા. અમિત શાહના રોડ શોમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે,કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, નાગરિક અન્ન અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાન, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, પૂર્વ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, હાલના ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એનડીએ ઘટક પક્ષોના નેતાઓ સહિત રાજ્યનું પ્રધાનમંડળ ભાજપના હોદ્દેદારો જોડાયા રોડ શોમાં જોડાયા હતા. નારણપુરામાં સરદાર પટેલના બાવલા પાસે સંકલ્પ સભાને કેન્દ્રીય નેતાઓ સંબોધિત કરી હતી. જ્ઞાતિ સમાજને સાથી રાખીને અમિત શાહે સભા સંબોધિત કરી હતી. અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ગાંધીનગર કલેક્ટર કચેરીએ તેમણે રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. નિયત સમય કરતાં મોડો શરૂ થયેલો રોડ શો બપોરે ૪૦ ડિગ્રી ગરમી વચ્ચે પસાર થતાં તેને રીતસર દોડાવવાની ફરજ પડી હતી. પિતાની ઉમેદવારી માટે હાજર પુત્ર જય શાહ તેમજ ગુજરાતના પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા. થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં એનડીએના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર ૨૪ જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રૂટ પર ૨૫ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.  ચાર કિમીના ૩ કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ શાહના નામાંકનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.

Previous articleચુંટણી પંચના નિયમોનો ભંગ કરી શાહનો કાર્યક્રમ
Next articleમોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ છે : શાહનો હુંકાર