નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પુલવામા આતંકવાદી હુમલા અને શક્તિ મિશનને લઈને કેન્દ્રની મોદી સરકારના દાવા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. છત્તીસગઢના શહીદ જવાનોનો ઉલ્લેખ કરતા ફારૂકે કહ્યું છે કે તેમને પુલવામામાં ૪૦ જવાનોના શહીદ હોવાને લઈને હજુ પણ શંકા છે. ફારૂકે શક્તિ મિશનને લઈને પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આની ક્રેડિટ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મળવી જોઈએ. પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
ત્યારબાદ ભારતીય સેનાએ બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા હતા. જોકે વિપક્ષના નેતાઓએ આ હવાઈ હુમલાને લઈને પણ શંકા વ્યક્ત કરી હતી.
ફારૂક અબ્દુલ્લાએ શહીદ જવાનોની સંખ્યાને લઈને પણ શંકા વ્યક્ત કરી છે. કાર્યક્રમમાં ફારૂકે કહ્યું હતું કે છત્તીસગઢમાં ભારતના અનેક જવાનો શહીદ થયા છે. તેમના ઉપર ક્યારેય પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી નથી. ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા તેને લઈને તેમને શંકા છે. શક્તિ મિશનને લઈને પણ ફારૂક અબ્દુલ્લા વાંધાજનક ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. ફારૂકે કહ્યું હતું કે જે મિસાઈલ સેટેલાઈટને તોડી પાડવા માટે છોડવામાં આવી હતી તે મનમોહનસિંહે તૈયાર કરી હતી પરંતુ ચુંટણીમાં દર્શાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય હવાઈ દળનું વિમાન તૂટી પડ્યું હતું. આ બનાવમાં બે પાયલોટ અને ચાર જવાનના મોત થયા હતા. થોડાક દિવસ પહેલા એવી બાબત પણ સપાટીએ આવી હતી કે હવાઈ દળનું હેલિકોપ્ટર તૂટી પડતા પહેલા ભારત તરફથી એક મિસાઈલ ઝીંકવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લાએ આડેધડ નિવેદન કરીને લોકોની નારાજગી માટે નિવેદન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.