ગત અંકમાં આપણે જીવનની અનેક આપત્તિઓ તથા દુઃખોના કારણે જીવનમાં આવતા વિક્ષેપોનો પરિચય મેળવ્યો. આજે તે વિક્ષેપોને ટાળવા ભગવાન સ્વામિનારાયણે આપણને જે ત્રણ સમજણો આપી છે, તેમાંથી પહેલી સમજણ જોઈશું.
ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના ૬૦મા વચનામૃતમાં કહે છે, ‘‘પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન !’’ જેમ ઘર અને ઘરમાં રહેનારો માણસ જુદાં છે, મોટર અને મોટરને ચલાવનારો ડ્રાઈવર જુદા છે, જેમ મ્યાન અને તલવાર જુદા છે તેમ દેહ અને આત્મા જુદા છે. આપણું વાસ્તવિક સ્વરૂપ આત્મા છે, દેહ નથી.
આજે જીવનમાં જે કાંઈ પ્રશ્નો આવે છે, તેનું મૂળ કારણ પણ આ જ છે કે માણસ પોતાનું સાચું સ્વરૂપ જે આત્મા તેને ભૂલી ગયો છે. ‘‘શિશુપાલ વધ’’માં કવિ માઘ લખે છે કે જીવનમાં આપત્તિ આવે છે તેનું મૂળ છે – “માણસ પોતાના આત્માને જાણતો નથી.” સાક્રૈટિસ પણ કહેતા ‘ાર્હુ ંરઅજીઙ્મક’ તારી જાતને ઓળખ.
આત્મા દેહની અંદર રાજા છે. ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેહ જડ છે. આત્માને લીધે તેઓ ચૈતન્ય બને છે. આત્મા સર્વ કરતાં અધિક છે. ઉપનિષદોમાં એક કથા આવે છે. દેહમાં બધા અંગોની એકવાર સભા ભરાઈ. કાન કહે હું મોટો, આંખ કહે હું…મન કહે હું, હાથ કહે હું એમ બધા વચ્ચે ચડસા ચડસી થઈ. જીવ (આત્મા) આ બધું સાંભળતો હતો. તેણે ધીમેથી કહ્યું, “તમે બધા વારાફરતી એક પછી એક હડતાલ પર ઊતરો, જેના વિના દેહ અટકી પડે એ મોટો.” બધા તૈયાર થયા. પહેલા આંખ હડતાલ પર ઊતરી અને માણસ આંધળો થયો, પણ દેહ તો ચાલ્યો. પછી કાન બહેરો થયો, પણ તે વિના દેહને વાંધો આવ્યો નહીં. આમ, એક પછી એક બધા અંગો હડતાલ પર ઉતર્યા. છતાં દેહ ચાલ્યો. છેલ્લે જીવ જરાક દેહની બહાર જવા ઊભો થયો ત્યાં બધા થથરી ગયા, લબડી ગયા અને બોલ્યા, ‘જીવાબાપા… જીવાબાપા… તમે સૌથી મોટા.’ આમ, જીવબાપા કહેતા જીવાત્મા વગર દેહના કોઈપણ અવયવો કામ કરી શકે નહીં.
આમ, આત્માની પ્રમુખતા સ્વીકારીને તેનું નિરંતર અનુસંધાન રાખવું તે આત્મવિચાર કહેવાય. આ આત્મવિચારને જીવનમાં દૃઢ કરવાથી આપણે જીવનમાં આવતા વિક્ષેપોમાં પણ સ્થિર રહી શકીએ છીએ.
સને ૧૯૯૧માં ઈરાક વોરમાં જૉન પીટર્સ નામના એક બ્રિટીશ પાઈલટનું ટોર્નેડો નામનું પ્લેન ક્રેશ થયું. સાથે જૉન નીકોલ નામનો નેવીગેટર પણ હતો. બંનેને પકડીને ટોર્ચરિંગ માટે લઈ ગયા. તેમની પાસેથી માહિતી કઢાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પીડાને લીધે પાઇલટ બેભાન થઈ જતો, તો ઇન્જેકશન આપી જાગ્રત કરી હેરાન કરે. ઇલેક્ટ્રિક શૉક આપે આ રીતે ૪૭ દિવસ સુધી ટૉર્ચરિંગ કર્યું પછી તો પાઇલટે ટોર્નેડો ડાઉન નામનું પુસ્તક લખ્યું. તેમાં તેણે લખ્યું, “એ વખતે હું વિચાર કરતો કે, આ લોકો મને શરીરમાં મારે છે, હું તો શરીરથી જુદો છું. તો મને પીડા ઓછી થતી.” – ટોર્નેડો ડાઉન આ જ સતત આત્મવિચાર એ સુખપ્રાપ્તિનું પ્રમુખ પગથિયું છે. સંતોના જીવનમાં આ આત્મવિચારનું અનુસંધાન નિત્ય હોય છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ નિર્માણ માટે સંતોનું મંડળ વિશ્વના તેર દેશોમાં ફરીને જુદી જુદી ટેકનોલોજી જોઈને આવેલું. સંતોએ વિશ્વમાં વિકસેલી આધુનિક ટેકનોલોજીનો અહેવાલ આપ્યો. તેઓની સંપૂર્ણ વાત સાંભળીને પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે “દેહથી આત્મા જુદો છે તે અમારી ટેક્નોલૉજી છે.” બાહ્ય જીવનમાં આ ટેક્નોલૉજીથી તેઓ સ્થિર રહી શક્યા હતા તો આપણે પણ આ ટેક્નોલૉજીને અપનાવી આ વિચારને દૃઢ કરીએ.(ક્રમશઃ)