શરમ સ્ત્રીસૌંદર્ય નું સંગીન આભૂષણ ખરું પરંતુ તેને એમાં લપેટાયેલી રાખવી ’માઈક્રો વાયોલન્સ’ ગણાય. શરમ નો પર્યાય લજ્જા છે.માટે તેને લાજવંતી તરીકે નવાજીએ છીએ .સ્ત્રીનો આ ગુણ સર્વગુણ સંપન્નતા ના ગ્રાફને ઉપર લઈ જાય છે .આ બાબત માત્ર સ્ત્રી જગતને લાગુ પડતી નથી. માનવના અધિકાધિક અપેક્ષિત ગુણોમાં શરમને સમાવિષ્ટ કરવાની વાત તેને શિષ્ટતા તરફ દોરી જવાનું મહાપ્રસ્થાન છે. તેને મર્યાદા, ભાર તરીકે પણ ઓળખવામાં આવે .આપણા વ્યવહારમાં પ્રયોગ કરતા કહીએ છીએ કે ’તેણે મારી પાસે આ માગણી મૂકી હું શરમ ના મૂકી શક્યો ’.આ ચીજની વ્યાપકતા વ્યવસ્થા, વિવેક અને વ્યવહારના કોઈ બાકોરાં પડવા દેતી નથી. બધું સમુસુતરું રાખવા તેનું મહત્વ સબ્જીમાં સબરસ જેટલું છે .પરંતુ કેટલાક સામેનાની શરમ સામનામાં બદલાવા મજબુર કરે છે .ચલચિત્ર ’ચૌદવી કા ચાંદ’મા શકીલ બદાયૂનિની લખેલી પંક્તિઓ પણ આ જ વાત કરે છે .
શર્મા કે યે ક્યો સબ પરદાનશીન આચંલ કો સંવારા કરતે હૈ,
કુછ ઐસે નજર વાલે ભી હૈ ચુપચુપ કે નજારા કરતે હૈ”
વિવેકની જન્મદાત્રી શરમ છે. તે સમાજ વ્યવસ્થાને સંકલિત કરી ,જોડે છે .સ્ત્રીઓ’ને જ આ ચાબુકના દાયરામાં મૂકવાનું તેને અન્યાયના કીચડમાં ધકેલવા જેવું દુષ્ક્રત્ય છે .આપણી દૈહિક રચનામાં તેની અગ્રતા જરૂરી ગણાય. માતા જવાબદારીની અગ્રીમ હરોળમાં ભલે હોય, તે ભણતર નું પહેલું પ્રકરણ છે. પણ સમયના વહેણોએ આપણી વૈચારિક નૈયા ’કહા સે કહા ’પહોંચાડી તેનો ખ્યાલ નથી રહ્યો .જ્યાંથી શિવાજી ,રાણા પ્રતાપનું અવતરણ સંભવ્યુ, ત્યાં આજે પશ્ચિમી ઢોળે કદરૂપા ચિત્રનું સર્જન કર્યું છે.આ અંધારું ત્યાથી ટસનું મસ થતું નથી ,બલ્કે તેની ગહનતા વધતી ચાલી છે. તાજેતરમાં મને ગૂગલે કહ્યું કે ’યુરોપની ઈયોન નામની નર્સે પોતાના ફેસબુકીયા, ટિ્વટરિયા સમંદરમાં ૬૦ અર્ધનગ્ન ,સેકસી ફોટા તરતા મૂક્યા .દસ લાખ લોકો જાણે ટાંપીને બેઠા છે તેને દસ મિનિટમા આવી જબરજસ્ત હીન્ટ આપી ..! કેવાય ને ગજબ !’ નફટાઈનો પાક લણનારા ની સંખ્યા વૈશ્વિક વસ્તી ની લગોલગ છે. આ બેશરમીનો તેને તો કોઈ અફસોસ નથી ,પણ પારકુ દુઃખ વ્યાજે લેનારા વલોવાયા કરે છે.
ક્ષણિક વિચારો કે એકબીજાની શરમ ન હોય તો શું થાય ?? કુટુંબીક વ્યવસ્થા રાખ ,ભરોસો અને ભાવ ભૂક્કો, આર્થિક વ્યવહારો ઓગળી જાય. સંબંધોના સ્વસ્તિક છિન્ન, માનવ પોતાની ઓળખ ગુમાવી બેસે. તે તમામને જીવંત રાખનારું તત્વ શરમ છે. તેનો હિસ્સો અજોડ છે .સામાજિક ભયથી આખી વ્યવસ્થા ટકી રહે છે ,તેના પાયામાં છે શરમ. કોઈના લીધેલા નાણાં પરત કરવા ,સામાજિક રીતે સ્વીકૃત થવું, તેવા સંબંધો સ્થાપિત કરવા ,વિવેક પૂર્ણ વ્યવહાર અને વર્તન કરવું , બધું લજ્જાની બિહામણી રાક્ષસી થી અબુડ છે .તેથી’ સોશિયલ જસ્ટિસ ’નુ સર્જન પણ આ જ રસ્તે થાય છે .મારા ગામના એક વેપારી કહેતા કે’ મને નજીકના શહેર ના બીજો વેપારી દૂર હોવ ત્યાં બજારમાં મારાથી જોરથી બુમ પાડે , જે અન્ય વેપારીઓ સાંભળે તો તેને લાગે છે વેપારી પાસે તેનું લેણું હશે કે કેમ ?મેં તેને સાફ કહ્યું હતું તું મને ચા પીવા સાદ પાડે છે પણ અન્યને શું સમજાય? મને આ રીતે ના બોલાવતો ! આ એક સામાજિક ભય છે.
પાશ્ર્યાત્ય- ભારતીય વિચારધારાનો આ સંક્રાંતિકાળ છે.આ બદલાવનુ કંકુ -કેસર સ્વાગત કરવા જેવું જ ન હોય.જે અપ્રસ્તુત , વિઘાતક છે ત્યાંથી રિવર્સ થવાનો રીંગ ટોન વાગવો જોઈએ. જળકમળવત્ બનીને જે ઉત્તમ છે તે આપણું. પ્રતિકુળ છે તેને ત્યાં જ રહેવા દો .તેથી આપણી સાંસ્કૃતિક સભ્યતા બચી શકશે ,ગ્રહશાંતિ નો આ મહાયજ્ઞ લેખાશે. નવા આયામો સુધી જવાની જરૂર નહિ પડે. છેલ્લા પચાસ દસકાની વણથંભી સામાજિક પરીપાટીઓ હસતી ખીલતી રહેશે. સ્વતંત્રતા ,સાદગી ,ત્યાગ, જેવા સદગુણો ને કાંખમાં લઈને સૌ જીવતા શીખે. આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળભૂત પાયાના સિંચનમાં આંદોલનાત્મક રીતે જોતરાઈ જાય તો જરૂર પરિણામ સુધી પહોંચી શકાશે.