શહેરના સર્કીટ હાઉસ ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ અંજુ શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે તેમના ખાતા/કચેરીની કામગીરી સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા, શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન, પોલીસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પી. જી. વી. સી. એલ., વન વિભાગ સહિતની કચેરીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમિક્ષા કરવામા આવી હતી.
અંજુ શર્માએ આ સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ હતું કે ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધા પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ. શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ચોક્કસ દિશામાં પગલા લેવા જોઈએ. જિલ્લામાં જે બાળક જન્મે તે જન્મથી જ કુપોષણ મુક્ત હોય તે માટે સગર્ભા માતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી છે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિજ જોડાણ ઝડપથી આપવુ જોઈએ. વ્રુક્ષોની સંખ્યામાં વધારો કરવા જન ભાગીદારી ઉત્તમ ઉપાય છે.
આ બેઠકમાં ઉપસ્થિત જુદી, જુદી કચેરીઓના અધિકારી પાસેથી તેમણે થયેલ કામગીરીની વિગતવાર જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષક્ પ્રવિણસિંહ માલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા, પ્રાંત અધિકારી દિગંત. કે. બ્રહ્મભટ્ટ, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.