રાજ્ય શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુબેન શર્મા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. કુલપતિ ડો.એસ.એન. ઝાલા અને ખાસ ફરજ પરના અધિકારી ડો.વેદાંતભાઈ પંડયા દ્વારા અંજુબેન શર્માનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં એક્ઝક્યુટીવ કાઉન્સીલના સભ્ય યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષ, યુનિવર્સિટી સંચાલિત કોલેજોના આચાર્ય અને યુનિવર્સિટી કાર્યાલયના વિવિધ વિભાગોના વહિવટી અધિકારીઓની કુલપતિ ડો.એસ.એન. ઝાલા અને ડો.વેદાંતભાઈ પંડયાએ પરિચય મુલાકાત કરાવેલ. ત્યારબાદ પ્રિન્સીપાલ સેક્રેટરીને યુનિવર્સિટીના વિકાસ અને વહિવટી કામગીરીની માહિતી આપવામાં આવેલ. શૈક્ષણિક બાબતો અને યુનિવર્સિટીના વિકાસના સંદર્ભમાં યુનિવર્સિટીની સૈધ્ધાંતિક સમસ્યા અને પડકારો પર મંથન ચર્ચા-વિચારણા કરવામાં આવી. પ્રિન્સીપાલ સેક્રેટરીએ યુનિવર્સિટીની શૈક્ષણિક-વહિવટી બાબતોની પરિચય મેળવ્યો. યુનિવર્સિટીની માહિતી મેળવ્યા બાદ આ બેઠકમાં યુનિવર્સિટીને લગતા વિવિધ પ્રશ્નો અંગે અંજુબેન શર્મા દ્વારા એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્ય, વિવિધ ભવનોના અધ્યક્ષ, સંચાલિત કોલેજોના આચાર્ય અને વહિવટી અધિકારીઓને યુનિવર્સિટીના કાર્યમાં પડતી મુશ્કેલીઓ અંગે સચોટ અને અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.