પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કાગિસો રબાડાના તે યોર્કરને ’બોલ ઓફ ધ આઈપીએલ’ ગણાવ્યો છે, જે દિલ્હી કેપિટલ્સના આ પેસરે કેકેઆર માટે રમનાર આંદ્રે રસેલને શનિવારના મેચમાં ફેંક્યો હતો. દિલ્હીમાં રમાયેલા આ રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સને સુપર ઓવરમાં જીત માટે ૧૧ રનની જરૂર હતી પરંતુ રબાડાની બોલિંગની સામે કેકેઆરના બેટ્સમેન માત્ર સાત રન બનાવી શક્યા હતા.
સાઉથ આફ્રિકાના આ પેસરે રસેલને ઇનસ્વિંગ યોર્કર ફેંક્યો જેના પર જમૈકાનો સ્ટાર બોલ્ડ થઈ ગયો હતો. ગાંગુલીએ આઈપીએલ ટી૨૦ને કહ્યું, રબાડાની સુપર ઓવર અને જે બોલ તેણે રસેલને ફેંક્યો, લગભગ બોલ ઓફ ધ આઈપીએલ બનવા જઈ રહ્યો છે. આ પ્રકારનો બોલ રસેલને કરવો, જે ફોર્મમાં છે, તે ખરેખર અવિશ્વસનીય છે. ગાંગુલીએ આ સાથે કહ્યું કે, યુવા પૃથ્વી શો સદી માત્ર એક રનથી ચુકવી ખરાબ રહ્યું પરંતુ આવનારા સમયમાં આ ફોર્મેટમાં તે ઘણી સદી બનાવશે. પૃથ્વીએ ૫૫ બોલ પર ૯૯ રન બનાવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેણે પૃથ્વીને કોઈ ટિપ્સ આપી તો તેમણે કહ્યું, જ્યારે તે આટલું સારૂ રમી રહ્યો છે, તો તમારે કશું કહેવાની જરૂર પડતી નથી.