કલોલ તાલુકાના નાંદોલી ગામમાં આવેલા બંગલામાં બેસી વિદેશી નાગરિકોને લોન ભરવાની બીક બતાવી છેતરતા અમદાવાદના બે સહિત ત્રણ શખ્સની સાંતેજ પોલીસે ધરપકડ કરી છે. આઠ મોબાઈલ, ત્રણ લેપટોપ, ડોંગલ અને એક ગાડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસને શંકા ન જાય તે માટે બંગલામાં કોલસેન્ટર ચલાવતાઃ ક્લોલના નાંદેલી ગામમાં આવેલા સુરમ્ય બંગલામાં કેટલાક શખ્સ કોલસેન્ટર જેવું ચલાવતા હોવાની માહિતી સાંતેજ પોલીસ અને ગાંધીનગર એસઓજીની ટીમને મળતા પોલીસે બંગલામાં રેડ કરી વિવેક ચૌહાણ (રહે. વેજલપુર, અમદાવાદ), સિદ્ધાર્થ બથીયા (રહે. મકરબા) અને શુભમ શર્મા (રહે. શિરોહી, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે અમદાવાદથી દુર બંગલામાં આ ગોરખ ધંધો ચલાવતા હતા. આ બંગલો કોનો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમેરિકાના નાગરિકોને છેતરતા હતાઃ આરોપીઓ મેજીક જેકથી અમેરિકાના નાગરિકોને ફોન કરી બાકી લોનની ભરપાઈ કરવા જણાવી પૈસા પડાવતા હતા. આઈટયૂન્સ કાર્ડ મારફતે પૈસા એજન્ટ દ્વારા મેળવતા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.