એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી : કાર્યકરો ઉત્સુક

772

કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના અતિ વિશ્વાસુ કહેવાતા અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી શકયતાઓ બળવત્તર બની છે. જો એહમદ પટેલ આ વખતે લોકસભા ચૂંટણી લડે તો, કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવું મનાઇ રહ્યું છે. જો કે, એહમદ પટેલના ચૂંટણી લડવા અંગે રાહુલ ગાંધીની સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાવાની શકયતા છે. કોંગ્રેસના બહુ મોટા ગજાના અને રાષ્ટ્રીય નેતા એહમદ પટેલને ખુદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ભરૂચમાંથી ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે. જો આવું થશે તો ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત, અહેમદ પટેલ રાહુલ ગાંધી સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ કોઈ અંતિમ નિર્ણય લેશે. ગુજરાતમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ એપ્રિલ હોવાથી આ બાબતે એક કે બે દિવસમાં નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.

અહેમદ પટેલ હાલ ગુજરાત બેઠક પરથી રાજ્યસભામાં સાંસદ છે. અહેમદ પટેલ ત્રણ વખત ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪માં ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.૧૯૮૯ પછી ભરૂચ બેઠક પરથી સતત બીજેપીના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. હાલ આ બેઠક પરથી બીજેપીના મનસુખભાઈ વસાવા સાંસદ છે. તેઓ ભરૂચ બેઠક પર યોજાયેલી છેલ્લી પાંચ ચૂંટણી-પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા છે. આ રીતે ભરૂચ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.  જો કે, કોંગ્રેસ આ બેઠક પરથી અહેમદ પટેલને ઉતારીને ફાયદો ઉઠાવવા માંગે છે.  કારણ કે, એહમદ પટેલનું આ સમગ્ર વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ અને લોકપ્રિયતા છે., જેનો સીધો ફાયદો પરિણામમાં કોંગ્રેસને થાય તેમ છે. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કોંગ્રેસમાં ઉર્જા આવશે.

અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કોંગ્રેસને મોટો ફાયદો થશે. પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે આગામી ૪૮ કલાકમાં નક્કી થઇ જાય તેમ મનાઇ રહ્યું છે.

Previous articleભાજપે લોકસભાના ગુજરાતના વધુ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા
Next articleઅમદાવાદ એક્સપ્રેસ વે પર આજથી વધુ ટેક્સ લાગૂ થશે