ભારતીય ક્રિકેટ ટીમે સતત ત્રીજીવાર આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા પોતાની પાસે રાખી છે. આ ગદા તે ટીમને આપવામાં આવે છે જે એક એપ્રિલની કટ ઓફ તારીખ સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ના સ્થાન પર રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે એક નિવેદનમાં આ વાતની જાણકારી આપી છે. ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં આ વર્ષે ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરતા નંબર-૧નું સ્થાન પોતાની પાસે રાખ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ૭૧ વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં કબજો કર્યો હતો.
તો ન્યૂઝીલેન્ડે વર્ષનો અંત બીજા સ્થાન સાથે કર્યો છે. તેણે હાલમાં ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને પરાજય આપીને ત્રીજાથી બીજા ક્રમ પર કબજો કર્યો હતો. ભારતને આ સાથે ૧૦ લાખ ડોલર ઈનામી રકમ આપવામાં આવશે તો ન્યૂઝીલેન્ડને ૫ લાખ ડોલર ઈનામી રકમ આપવામાં આવશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદાને પોતાની પાસે યથાવત રાખવા પર અમે ગર્વનો અનુભવ કરી રહ્યાં છીએ. અમારી ટીમ રમતના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. અમે જાણીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ શું છે.