સમાજવાદી પાર્ટીના માર્ગદર્શક મુલાયમસિંહ યાદવે આજે બપોરે પોતાના પુત્ર અખિલેશ યાદવની સાથે પહોંચીને મૈનપુરી લોકસભા સીટ પરથી ઉમેદવારી દાખલ કરી હતી. ૭૭ વર્ષીય સપાના સ્થાપક મુલાયમસિંહ યાદવે પોતાને વડાપ્રધાનની રેસમાં હોવાનો ઇન્કાર કર્યો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાંથી પીએમ પદના ઉમેદવાર કોણ રહેશે તે અંગે પૂછવામાં આવતા મુલાયમસિંહે કહ્યું હતુ ંકે, આ અંગે નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે. કોંગ્રેસની સાથે મુલાયમસિંહના ભાઈ શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીએ પણ તેમની સામે મૈનપુરી સંસદીય સીટ પરથી કોઇ ઉમેદવારને મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ભાજપ તરફથી મુલાયમસિંહની સામે ઉમેદવાર અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. મુલાયમસિંહે વર્ષ ૧૯૯૬, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ની ચૂંટણીમાં ભારે મત અંતરથી ચૂંટણી જીતી હતી. સમાજવાદી પાર્ટીએ ૧૯૬૬થી લઇને હજુ સુધી પેટાચૂંટણી સહિત આ સીટ પરથી આઠ વખત ચૂંટણી જીતી છે. બહુજન સમાજ પાર્ટીને લઇને હજુ દુવિધાભરી સ્થિતિ છે. રસપ્રદ બાબત એ છે કે, મૈનપુરી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને હજુ સુધી જીત મળી નથી. મૈનપુરીમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. આના માટે નોટિફિકેશન ૨૮મી માર્ચના દિવસે જારી કરવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કામાં ઉમેદવારીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ છે. આવી સ્થિતિમાં મુલાયમસિંહ યાદવ હજુ સુધી ઉમેદવારી દાખલ કરનાર આ સીટ પરથી એકમાત્ર ઉમેદવાર છે. આ સંસદીય બેઠકમાં મોટાભાગે ગ્રામિણ મતદારો છે.મુલાયમસિંહ ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.