દિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના

557

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને સસ્પેન્સનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજ્યમાં ગઠબંધન કરવાનો ઇન્કાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ રાજ્યમાં ત્રિકોણીય સ્પર્ધા થનાર છે. રવિવારના દિવસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિલા દિક્ષીતે કહ્યું હતું કે, સોમવાર સુધીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, આ સંદર્ભમાં સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર નિવેદન જારી થતાં પહેલા જ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇન્કાર કરી દીધો છે. કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન થનાર નથી. રાહુલ ગાંધીની સાથે બેઠક કરવામાં આવી હતી પરંતુ ગઠબંધન કરવાનો રાહુલે ઇન્કાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વારંવાર ભાજપને પરાજિત કરવા માટે ગઠબંધનની ઓફર કરી રહ્યા હતા. કેજરીવાલે દિલ્હીની સાથે સાથે પંજાબ અને હરિયાણામાં પણ કોંગ્રેસને ગઠબંધનની ઓફર કરી હતી પરંતુ આ ઓફર ફગાવી દેવામાં આવી છે. દિલ્હી કોંગ્રેસ એકમમાં પણ ગઠબંધનને લઇને જુદા જુદા અભિપ્રાય રહ્યા છે. એકબાજુ પીસી ચાકોએ ગઠબંધન કરવા માટે રજૂઆત કરી હતી. બીજી બાજુ અજય માંકને ગઠબંધન કરવાનો ઇન્કાર કર્યો હતો. શનિવારના દિવસે કોંગ્રેસ પ્રદેશ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરવાને લઇને અંતિમ નિર્ણય રાહુલ ગાંધી ઉપર છોડી દેવામાં આવ્યો હતો. કેજરીવાલના નિવેદન બાદ હવે ગઠબંધનની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.  હવે દિલ્હીની સાત સીટો ઉપર ત્રિકોણીય સ્પર્ધા થશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ સાતેય સીટો જીતી લીધી હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાંથી પહેલાથી જ પોતાના તમામ સાત ઉમેદવાર જાહેર કરી દીધા છે. પાર્ટીએ બીજી માર્ચના દિવસે દિલ્હીની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા હતા. પશ્ચિમ દિલ્હીમાંથી બલબિર  જાખડને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સ્પર્ધા રોચક રહેવાની શક્યતા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સામે ક્ષેત્રિય પક્ષો ગઠબંધન કરીને મેદાનમાં ઉતરી રહ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાલત હાલમાં ખુબ જ કફોડી બની ગઈ છે. આવી સ્થિતિમાં ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી સાથે રાહુલ ગાંધીએ ઇન્કાર કરી દીધો છે. હવે લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોણ બાજી મારશે તેને લઇને રાજકીય પંડિતોમાં ગણતરી છે.

Previous articleમુલાયમે અંતે મૈનપુરીમાંથી દાખલ કરેલું ઉમદેવારીપત્ર
Next articleબાવળામાં ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરો સહિત કોન્ટ્રાકટરનું મોત