હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાંજ અમરેલી જિલ્લામાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અમરેલી જિલ્લાના થોરડી ગામે ૧ બોર અને ૧ કુવામાંથી પાણી ભરવા ગૃહિણીઓની લાઈનો લાગે છે બેડા લઈને મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છેચારથી પાંચ હજારની વસ્તી ધરાવતા થોરડી ગામમાં પાંચેક બોર ઉનાળાની શરૂઆતમાં જ ડુકી જતા મહિલાઓને પાણી માટે રઝળપાટ શરૂ થઈ ગયો છે. ગામના પાદરમાં આવેલ કૂવામાં પાણીનું તળિયું દેખાય છે છતાં ગામની મોટાભાગની મહિલાઓ આ કુવે પાણી દોરડા સીંચીને પાણી ભરે છે અને આખા ગામમાં એકમાત્ર બોર છે, જેથી પાણી માટે સવારથી સાંજ સુધી મહિલાઓ પાણીના બેડા ભરવામાંથી ઊંચી ન આવતી હોવાનો વસવસો વ્યક્ત કરી રહી છે.
પીવાના પાણી માટે બે બે કિલોમીટર મહિલાઓ રઝળપાટ કરી રહી છે. જ્યારે ચૂંટણી સમયે આવતા નેતાઓ પર મહિલાઓ પાણી પ્રશ્ને રોષિત દેખાય છે. ગામના અવેડા ખાલી ખમ હોવાથી પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ગામના કુવા સિવાય એક બોરમાં થોડું પાણી બચ્યું છે તો ત્યાં પણ મહિલાઓ પાણી માટે ભટકી રહી છે. મત માટે નેતાઓ આવી ને જતા રહે છે પણ ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સમસ્યા ઉનાળાના આરંભે શરૂ થઈ છે મોટી ઉંમરના વૃધો પણ પાણી માટે સવારથી સાંજ સુધી ભટકે છે. ત્યારે થોરડી ગામના સરપંચ ગામની પાણીની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, એટીવીટીના બોર કરાવ્યા પણ પાણી ડુકી ગયું છે. મજૂર મહિલાઓ પાણી માટે ભટકે છે દરરોજનું ૬૦થી ૭૦ હજાર લીટર પાણીની જરૂરિયાત છે, પણ તંત્ર અઠવાડિયે એકવાર પાણી આપવાનું કહેતા થોરડીની મહિલાઓ હેરાન પરેશાન છે. ત્યારે સરકાર થોરડી ગામની પાણીની સમસ્યા નિવારે તેવી વિનંતી સરપંચ કરી રહ્યા છે.