નેપાળમાં રવિવારથી શરૂ થયેલા વરસાદ અને ભયંકર તોફાનના કારણે ભારે તબાહી થઈ છે. તોફાનની ઝપટમાં આવવાથી અત્યાર સુધી ૩૫ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૬૦૦થી વધુ ઘાયલ થયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં બેડ અને બ્લડની કમી જોવા મળી છે. રાહત અને બચાવકાર્ય માટે સશસ્ત્ર પોલીસદળ અને નેપાળ સેનાની ટીમને પૂર પ્રભાવિત વિસ્તારમાં તહેનાત કરી દેવાયાં છે.
પ્રશાસન મદદના કામમાં વ્યસ્ત બન્યું છે. તંબૂ અને તાડપત્રી લઈને રાહત બચાવદળ વિવિધ સ્થાન પર પહોંચી ગયાં છે. નેપાળ સેનાના પ્રવક્તા યમપ્રસાદ ધકાલે જણાવ્યું હતું કે આપાત સ્થિતિ સામે લડવા માટે બે હેલિકોપ્ટર તહેનાત કરાયાં છે. આ ઉપરાંત એક સ્કાય ટ્રક પણ તૈયાર કરાઈ છે. સેના પરિસ્થિતિ સામે લડવા તૈયાર છે. વરસાદ અને તોફાનથી પ્રભાવિત વિસ્તારમાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. બચાવ અને રાહતકાર્ય જારી છે. જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યા મુજબ ૩૧ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૬૦૦ ઘાયલ થયા છે. નેશનલ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે ઘાયલોનો ઉપચાર ઘણી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
વડા પ્રધાન કે.પી. શર્માઓલીએ લોકોના મૃત્યુની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં નેપાળમાં આવેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું, જેમાં ૨૦૦૦ ઘર તબાહ થયાં હતાં. નેપાળના ડાંગ જિલ્લાની રાપ્તી નદીમાં આવેલા પૂરમાં ૨૦૦૦ ઘર પૂરમાં તણાઈ ગયાં હતાં, જેમાં ૪૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા હતા.