‘સુખ અને સંપત્તિ મૂઠી ભરેલી રેતી છે, પરંતું તેને વાવતા રહીએ તો- તે સમૃદ્ધ ખેતી છે.’

1257

સામાન્ય રીતે આપણને એમ લાગતું હોય છે કે સુખ આપણી આશારૂપી મૂઠીમાંથી ધીરે-ધીરે સરકતું જતું હોય તેવી અનુભૂતિ થાય છે. જેવો આપણને સુખનો અનુભવ થવાની શરૂઆત થાય છે તેવા જ  તમને એક પછી એક અવરોધોની અનુભૂતિ થવા લાગે છે. કોઈવાર આપણી સંપત્તિ ક્યાંક લુંટાતી હોય અથવા તેનો ખોટો વ્યય થતો હોય તેવું આપણને સતત લાગતું હોય છે. પરિણામે આપણે બેચેન બની દુઃખી થઈ જતા હોઈએ છીએ. જીવનમાં ડગલે ને પગલે આવતી સમસ્યાઓ આપણને દુઃખી-દુઃખી કરી દે છે. જીવનરૂપી નદીમાંથી સુખરૂપી રેતીની મૂઠી ભરીને સંસારની ભૂમી પર સલામત ડગ માંડી આગળ આવવું ખૂબ જ કઠિન હોય છે. જે રીતે નદીનાં વહેતા પ્રવાહમાં ઘસડાય આવતી રેતીની મૂઠી ભરી પાણીના પ્રવાહમાંથી બહાર આવવું મુશ્કેલ લાગે છે.

જિંદગીરૂપી વહી જતી નદીમાંથી સુખ અને સંપત્તિરૂપી રેતીની મૂઠી તો હું અને તમે ભરી લઈએ છીએ, પરંતુ જેમ-જેમ જીવનરૂપી નદીનો ધસમસતો પ્રવાહ સંસારરૂપી ભૂમીના પ્રદેશમાં આગળ વધવા લાગે છે તેમ તેમ આપણી સુખ અને સંપત્તિરૂપી મૂઠી પણ ખાલી થવા લાગે છે. જીવનની અંતિમ પળો જ્યારે આવે છે, ત્યારે આપણને એમ લાગવા લાગે છે-મોક્ષ માર્ગમાં ખપ લાગે તેવું આધ્યાત્મિક ધન કાં તો હું કમાયો જ નથી અથવા મેં સંચિત કર્યું નથી. સ્થૂળ સંપત્તિનું સુખ માણસને શાંતિ આપી શકતું નથી. આ વાત જ્યારે આપણને સમજાય છે ત્યારે આપણે આપણા જીવનના લેખાં-જોખાં કરી અંતિમ પળોમાં દુઃખી થઈ આપાણી જાતને ધિક્કારવા લાગીએ છીએ. આંખે જોવાની, કાને સાંભળવાની, ગંધ અને સ્પર્શ સહિત એક શબ્દ પણ ઉચ્ચારવાની શક્તિ ગુમાવી બેસીએ છીએ. આવા સમયે ડાપણ કામ લાગતું નથી એટલે જ જીવનમાં સુખના દિવસો આવે ત્યારે  સારા કાર્યો કરી તમને પ્રાપ્ત થયેલું સુખ અન્યના જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવવા તેને વહેંચવાનું રાખો. આમ થશે તો, અંતિમ પળોમાં સુખ ખોવાનો વારો નહિ આવે. તેની ખાતરી રાખજો.

સંસારરૂપી ભૂમી પર સુખ અને સંપત્તિનું જે વાવેતર કરી શકે છે તેવા પ્રત્યેક લોકો આધ્યાત્મિક ઊપજ મેળવી સાચા સુખ કે સંપત્તિના માલિક બને છે. યાત્રા-પ્રવાસમાં ધનિક લોકો મોટી રકમ ખર્ચી ખૂબ વૈભવી સગવડો મેળવી આનંદ ઉઠાવતા હોય છે. તેવી જ રીતે આધ્યાત્મિક સંપત્તિનો માલિક અનંતની યાત્રાસમયે પોતાએ સંચિત કરેલી આધ્યાત્મિક મૂડી વડે પરમધામ પહોંચી મૂલ્યવાન મોક્ષ ગતિને પામે છે. આમ, અનંતની યાત્રા તેના માટે સંપૂર્ણ સફળ નીવડે છે. સુખ અને સંપત્તિરૂપી રેતીને મૂઠીમાં પકડી રાખીને તેનો મિથ્યા સંગ્રહ કરવા પ્રયત્ન ન કરશો. અન્યથા, મૂલ્યવાન માનવ જીવન એળે જશે. લખચોરાસીનો આ ફોગટ ફેરો પૂરવાર થશે. જેમ આળસુ ખેડૂત ખેતરમાં વાવણી કરતો નથી તો તે ખેતરમાં પાક પણ ઉગાડી ધન કમાઈ શકતો નથી. ખેતર ખેતી કરવા માટે જ હોય છે. સુખ અને સંપત્તિ બીજાને વહેંચવા માટે જ હોય છે. એટલા માટે કોઈ કવિએ કહ્યું છે ને! ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.’

આ સંસારમાં ઇશ્વરે આપણને એક ખેડૂતની ભૂમિકા આપીને મોકલ્યા છે. આપણને સૌને પ્રશ્ન થાય કે માનવીના આ જીવનને ખેડૂત સાથે શા માટે સરખાવામાં આવે છે? ખેડૂતની ભૂમિકામાં આ જીવનને શા માટે જોવામાં આવ્યું હશે?

ઉત્તર માત્ર એટલો જ છે.

જિંદગી એક નદી છે, નદીમાં જેમ ફળદ્રુપ રેતીનું નિર્માણ થતું જ રહે છે. આ ઉત્પાદિત ફળદ્રૂપ રેતી સૃષ્ટિનાં પોષણ માટે જમીનમાં ફળદ્રૂપતા ઉમેરી સૃષ્ટિનાં કલ્યાણ માટે પોતાની ભૂમિકા ભજવે છે. તેમ આપણે પણ અન્યનાં સુખ-સગવડ ખાતર કામ કરતા રહેવું જોઈએ.

અન્યના સુખ સગવડનાં પ્રદેશો આપણી સંપત્તિના ભંડારો ખુલ્લા મૂકી દિન-પ્રતિદિન સજાવતા રહેવું જોઈએ, એ જ સાચી માનવમૂડી છે. આપની આધ્યાત્મિક મૂડીની ફિક્સ ડિપોઝિટ છે. માનવ સૌ પ્રથમ પૃથ્વી પર આવ્યો ત્યારે તેણે વનસ્પતિનાં ઉછેર અને તેની સંભાળ પર લક્ષ્ય આપી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યો. સમય જતા તેના પાંદડાઓનો ઉપયોગ ગરમી અને ઠંડીથી બચવા વસ્ત્ર તરીકે કરવા લાગ્યો. ત્યારબાદ પોતાના રક્ષણ માટે રહેઠાણ તૈયાર કરવા તેનો ઉપયોગ કરતો થઈ ગયો. એ વખતનો ત્યાગી માણસ આજના માણસ જેટલો સ્વાર્થી ન હતો. કારણ જે હોય તે, અંગત સ્વાર્થ માણસને હંમેશા દુઃખી રાખે છે; પણ સમૃદ્ધિનું વાવેતર મબલક સંતોષરૂપી સુખના ભંડારો છલકાવી દે છે.

ઈતિહાસમાં ડોકિયું કરીએ તો, જાડેજાએ જ્યારે સરવણ કોદાળી હાથમાં લઈ જમીન નિહાળી ખેતી કરવા યત્ન આરંભ્યો હતો; ત્યારે તોરલના સત્ત્વ વડે તેને થયેલા જ્ઞાનના લીધે ઈશ્વરે તેણે વાવેલા નદીનાં વેકરા અર્થાત્‌ નદીની રેતીનું વાવેતર કરવા બદલ હીરા-માણેક-મોતી સમાન સંપત્તિ આપી, ધન્ય કરી, જીવનનાવને ડૂબતિ બચાવી, ચમત્કાર કર્યો હતો. અહીં સ્થૂળ હીરા-માણેક-મોતી રૂપી સંપત્તિની કોઈ વાત નથી. વાસ્તવમાં જેસલ જાડેજાને ઘોર પાપનાં અંધકારમાંથી ઉગારવાની અહીં વાત છે. આત્મજ્ઞાન સાચી સમજણ અને દુર્ગુણોનો ત્યાગ કરવાની શક્તિ તેના માટે અનુક્રમે હીરા-માણેક અને મોતી હતા. જે અહંકાર ત્યાગી ઇશ્વરને પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે છે તેને તો ઇશ્વર જરૂર તોરલ સ્વરૂપે આવી અવશ્ય સહાય કરે છે.

સુખ અને સંપત્તિએ જાણે અમારા પરિવાર સાથે બાળપણથી જ સંબંધ જોડવા પોતાની નારાજગી બતાવાનું શરૂ કર્યું હોય તેમ આર્થિક હાલત પરિવારની વણસવા લાગી. બે-ચાર દિવસમાં એકાદ ટંકના ફાંફાં જરૂર પડી જતા. આવા સમયે બાપુજીનો હકારાત્મક દૃષ્ટિકોણ પરિવારને હિંમત પૂરી પાડતો હતો. ખૂબ મોટા ધનિકો સાથે બાપુજીને અંગત પરિચય હોવા છતાં તેઓ કદી પરિચિતો પાસે હાથ લંબાવતા નહિ. તેમનો સ્વભાવ અન્યને મદદ કરવાનો હતો. પોતાની સમસ્યા કે દુઃખ તેઓ કદી કોઈની પાસે વ્યક્ત કરવામાં માનતા નહિ.

પિતાશ્રીનો આ મળેલો વારસો મને આજે પણ ખૂબ ઉપયોગી થઈ રહ્યો છે. સંતાનોને સંપત્તિ નહિ સંસ્કાર વારસામાં આપવા જોઈએ. તે વાત હું બાપુજી પાસેથી મળેલા અમૂલ્ય વારસામાંથી શિખ્યો છું. તેમની પાસેથી મને ત્યાગ, હિંમત, નીડરતા, નિઃસ્વાર્થપણું, હાજર જવાબીપણું અને બહુમુખી વ્યક્તિત્વ જેવા અસંખ્ય ગુણોનાં ખજાનાનો માલિક થઈ શક્યો છું. આ અવિચળ ખજાનો ચોર કે લૂંટારા વડે કોઈ પણ રીતે ઝૂંટવી શકાય તેવો નથી તેથી હું આ સલામત સંપત્તિનું વાવેતર કરતો જ રહું છું. તેનો મબલક પાક લણવાનો આનંદ પણ હું ઉઠાવવાનું કદી ચૂકતો નથી.

સમુદ્રમાં નાવિક પોતાની નાવ ચલાવતો હોય ને એકાએક તોફાન આવે તો તેની નાવ હાલક-ડોલક થઈ જાય છે. તેમ વર્ષ ૧૯૯૯ માં અંધશાળાનું સંચાલન જ્યારે મેં સાભળ્યું ત્યારે શાળાની હાલત ખૂબ જ નાજુક હતી. ખાસ કરીને સંગીત પર તેની અસર મને વધુ ગંભીર જોવા મળી હતી. એકાદ હોશિયાર વિદ્યાર્થી પ્રાર્થના સભામાં ગેરહાજર હોય તો પ્રાર્થનાસભામાં હાર્મોનિયમ, તબલા વગાડનાર વિદ્યાર્થીની જોડ તૂટવાનાં લીધે પ્રાર્થના કોઈવાર વાદ્ય વગર કરવાનો વારો અનિચ્છાએ આવી જતો હતો. તે વખતના સંગીત શિક્ષક નાગજીભાઈ પરમાર કોઈ માનસિક શોકનાં લીધે પોતાનું માનસિક સ્વાસ્થ્ય ખોઈ બેઠા હતા, તેથી તેમની પાસેથી કોઈ કામ લેવું શક્ય ન હતું. વળી, તેને તે બાના તળે નોકરી પરથી લાંબી રજા પર મોકલી દૂર કરી શકાય તેમ પણ ન હતુ, કારણ કે  શાળામાં જ તેમની સંભાળ આવી નાજુક હાલતમાં થઈ શકે તેમ મને લાગતું હતું. તેઓ સનાળા ગામના વતની અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. તેના પરિવારના લોકો તેની કાળજી રાખવામાં ખાસ રસ લેતા ન હતા. નાગજીભાઈને શાળામાં નોકરી મળી ત્યારે પરિવારને લાલચ હતી. તેથી તેમને તેઓ મળવા આવતા હતા. પણ નાગજીભાઈને બીમારી લાગું પડતા બધા તેનાથી અળગા રેહવા લાગ્યા હતા. શાળામાં આ શિક્ષક નોકરીના સમયે આવતા જરૂર હતા પણ વર્ગખંડમાં કોઈ અભ્યાસક્રમ મુજબ તેના માટે ભણાવાનું કામ શક્ય ન હતું. બાળકોનું શિક્ષણ ન બગડે તેવા હેતુથી મેં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને ટ્રસ્ટના ખર્ચે રાખવાનું નક્કી કરી સંગીતનાં વર્ગો ચલાવા પ્રયત્ન હાથ ધર્યો પણ જોઈએ તેવી સફળતા મળી નહિ. તેનું મુખ્ય કારણ ઓછા પગારમાં કોઈ સારા શિક્ષક મળતા ન હતા-તે તો હતું જ પણ આવનાર શિક્ષકોની દાનત પણ તેમાં એટલી જ જવાબદાર હતી.  ઘણા કપરા ચઢાણ પછી એકાદ-બે સારા શિક્ષક મળી જવાથી પરિણામ મળવા લાગ્યું હતું. થોડા સમયબાદ નાગજીભાઈનું દુઃખદ અવસાન થયુ. હવે સરકારી સંગીત શિક્ષકની જગ્યા શાળામાં કાયદેસર રીતે ખાલી પડતા તેની ભરતી માટે મેં પ્રયત્ન શરૂ કર્યા, જેમા મને સફળતા મળી. રાજ્યના સમાજ સુરક્ષા ખાતાના નિયામકની કચેરી દ્વારા ભરતી માટે કાર્ય શરૂ કરવા બહાલી મળતા, વર્તમાનપત્રમાં જાહેરાત આપી. જે સંદર્ભે અરજીઓ મળતા સમાલાપ યોજી શિક્ષક તરીકે શાળાનાં જ પૂર્વ વિદ્યાર્થી ઋષિકેશ પંડ્યાને પસંદ કરવામાં આવ્યા. મારે કહેવું જોઈએ કે ‘ઋષિકેશભાઈ તેમની પસંદગી બદલ શાળા માટે ખરા ઊતર્યા છે.’ તેમના માર્ગદર્શન નીચે શાળાનાં વિદ્યાર્થીઓ સંગીતમાં આજકાલ ખૂબ આગળ વધી રહ્યા છે. શાળામાં ઓરકૅસ્ટ્રાની મોટી ટીમ તૈયાર થઈ રહી છે. ઋષિકેશભાઈ પાસે સંગીતની વિદ્યા મેળવનાર રમેશભાઈ સાટિયા શાળામાં સંગીત શિક્ષક તરીકે જોડાય ઋષિભાઈના પગલે ખૂબ સારું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત શિક્ષણક્ષેત્રે પણ શાળાએ સારી એવી પ્રગતિ કરી છે. છેલ્લા ૨૦ વર્ષથી ધોરણ-૧૦માં શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવે છે તો ધોરણ-૧૨ નાં પ્રારંભથી જ વિદ્યાર્થીઓએ આ પરંપરાને જાળવી રાખી છે. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પણ શાળાને આવી જ સફળતા મળી રહી છે. આ બધી જ સફળતા પાછળ શિક્ષકોની અથાક મહેનતને કારણભૂત ગણી શકાય. આ લોકોની શાળા પ્રત્યેની નિષ્ઠા પણ જેવીતેવી નથી. સમગ્ર સ્ટાફના નામ તેની જુદી-જુદી કામગીરી માટે ગણાવી શકાય તેટલા આ લોકોના ઊડીને આંખે વળગે તેવા કામ છે. પણ રુચિભંગ ન થાય તે માટે તેને ટાળવાનું ઉચિત સમજુ છું. રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ આજે કાઠું કાઢ્યું છે, એટલું જ નહિ તેમણે એ રીતે શાળાનું ગૌરવ પણ વધાર્યું છે.

આ રીતે સંસાર ભૂમી પર વહેતી નદીના પ્રવાહમાં ઉત્પાદિત સુખ અને સંપત્તિરૂપી રેતીની મૂઠી ભરી તેનો નાહક સંગ્રહ કરવાનાં બદલે તેનું વાવેતર કરી સમાજરૂપી ભૂમીને ફળદ્રૂપ બનાવવા તેનું વાવેતર કરવાનો મારો પવિત્રધર્મ સમજું છું. પિતાશ્રી પાસેથી મળેલા વારસાગત સંસ્કારનાં પગલે આગળ વધતો રહું છું. સોનાથી પણ મોંઘું જેનું મૂલ્ય છે એવું આ ધન મને કલ્યાણનાં માર્ગમાં ડગલે ને પગલે કામ લાગી રહ્યું છે. આપને પણ આ અવિચળ ધન કમાવું હોય તો માનવતાનાં માર્ગે તમારા કદમ ઉપાડવાનું શરૂ કરી દો.

તમે જરૂર માનવતાનું ધન કમાઈ સુખ અને સંપત્તિનું ધન મૂઠી ભરેલી રેતી જેવું તો નહિ જ થવા દો. કારણ કે તમે તો તેનું વાવેતર કરવાનો દૃઢ સંકલ્પ લઈ લીધો છે, એટલે એમ કહેવાનું મન થાય ‘જ્યારે જગમાં અમિબા દેખાવાની શરૂઆત થઈ હશે, ત્યારે માનવને સેવાની ખરી મુલાકાત થઈ હશે.’

Previous articleભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે