સામાન્ય રીતે એપ્રિલ મહિનાનો પ્રથમ દિવસ ૧ એપ્રિલ, એપ્રિલફુલ તરીકે ઉજવાય છે. સૌ એકબીજાને ઉલ્લુ બનાવીને આનંદ મેળવે છે. પરંતુ ગ્રીનસીટીના દરેક સભ્યોએ આ દિવસે વૃક્ષારોપણ કરી નવો ચીલો ચીતર્યો હતો. ઉનાળાના આકરા તાપ સામે લોકોને ઠંડક અને છાયો મળે તે ઉમદા હેતુથી આજરોજ ગ્રીનસીટીના દરેક સભ્યોએ પોતાના હસ્તે એક એક વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે દર વર્ષે ઉનાળામાં ગરમી ઉત્તરોત્તર વધી રહી છે. માર્ચ મહિનામાંજ ગરમીનો પારો ૪૨ ડીગ્રી સુધી પહોંચવા માંડ્યો છે.વિકાસના નામે ચારેય બાજુ વૃક્ષોનું નીકંદન નીકળી રહ્યું છે. તેની સામે નવા વૃક્ષો ઉગાડવાનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. પર્યાવરણના ભોગે વિકાસ શું કામનો ? શહેરમાં મોટા-મોટા બિલ્ડીંગોે બનાવવા લોકો બેફામ કોઇ જાતની પરમીશન લીધા વગર આડેધડ વૃક્ષોનો નાશ કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો નવા વૃક્ષો નહીં ઉગાડવામાં આવે તો આવતી પેઢીને આ ધરતી પર જીવવું દુષ્કર થઇ જવાનું છે. ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠએ તમામ લોકોને અપીલ કરી છે કે હવેથી એપ્રિલફુલનો દિવસ વૃક્ષારોપણ કરી એપ્રિલફુલ તરીકે ઉજવે જેથી આપણું નગર હરીયાળું બની શકે.
આજના આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, જયંતભાઇ મહેતા, ઝેક ઝાલા, અલકાબેન મહેતા, કેવલ પંડ્યા, જયમીન શાહ, મેઘા જોશી તથા જાહ્નવી મહેતાએ વૃક્ષારોપણ કર્યું હતું.