આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજથી શ્રી ગણેશ થયા હતા. આજે ભાજપના બે ઉમેદવાર સહિત કુલ ચાર ઉમેદવારે કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ભાવનગર લોકસભા બેઠક માટે આજે વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના ધરમશીભાઇ રામજીભાઇ ઢાપા એ રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર ભારતીબેન ધીરૂભાઇ શિયાળે પણ વિશાળ રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ૩ સેટમાં રજુ કર્યું હતું. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે દીલીપભાઇ અરજણભાઇ શેટાએ ચાર સેટમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે જય સંઘર્ષ વિરાટ પાર્ટી માંથી રામદેવસિંહ ભરતસિંહ ઝાલા એ પણ ભાવનગર લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર કલેકટર સમક્ષ ભર્યું હતું. આ ઉપરાંત આજે વી.પી.પી.ના રમેશભાઇ છગનભાઇ જેઠવા અને જશવંતભાઇ વશરામભાઇ બારૈયાએ ફોર્મ ઉપાડ્યા હતા. આમ, ભાવનગર લોકસભા બેઠક માટે આજે ચાર ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.