ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓની માગણીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્વીકારી લીધી છે. હવે ખેલાડીઓની પત્ની અને તેના પરિવાર સભ્યો ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ દરમિયાન ખેલાડી સાથે રહી શકે છે. થોડા દિવસ પહેલાં વિરાટ કોહલીએ કોચ રવિ શાસ્ત્રી સાથે મળીને આ મુદ્દો સીઓએના ચેરમેન વિનોદ રાય સમક્ષ ઉઠાવ્યો હતો.
ખેલાડીઓની આ માગણી હવે બીસીસીઆઇએ સ્વીકારી લીધી છે, પરંતુ આના માટે બીસીસીઆઇએ એક શરત મૂકી છે. નિયમ અંતર્ગત ૪૫ દિવસના વિદેશ પ્રવાસમાં પ્રવાસ શરૂ થયાના બે સપ્તાહ બાદ પરિવારના સભ્યોને ખેલાડી પોતાની સાથે રાખી શકે છે. હવે સૂત્રોની વાત માનીએ તો વિશ્વકપમાં ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચ્યાના ૧૫ દિવસ બાદ પત્ની અથવા પરિવારના અન્ય સભ્યને પોતાની સાથે રાખી શકશે.
વિરાટ સેના ૨૨ મેએ ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. આનો અર્થ એ છે કે દક્ષિણ આફ્રિકા સામે પાંચ જૂને રમાનારી પ્રથમ મેચ બાદ જ ખેલાડીઓની પત્ની અથવા પરિવારજન ખેલાડી સાથે જોડાઈ જશે.જો ભારત સેમિફાનલમાં પહોંચશે તો પત્ની અથવા પરિવારજનોએ ભારત પાછા ફરી જવું પડશે.
આમ તો બોર્ડ તરફથી આ બાબતે મંજૂરી મળી જવાની એ બાબતના સંકેત થોડા દિવસ પહેલાં જ મળી ગયા હતા, જ્યારે અનુષ્કાએ કહ્યું હતું કે, ”હું આ વખતે ટીમ ઇન્ડિયાની બસમાં ખેલાડીઓ સાથે સ્ટેડિયમમાં મેચ જોવા નહીં જાઉં. મેં મારા ખર્ચે અલગથી કાર બુક કરાવી લીધી છે અને હું દરેક મેચમાં મારા ખર્ચે જ સ્ટેડિયમમાં બેસીને વિરાટનો ઉત્સાહ વધારીશ.”