મનપા દ્વારા ઘરદીઠ બે ડસ્ટબીનની વહેચણી શરૂ કરાઈ

708
gandhi712018-3.jpg

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેકશનના પ્રોજેકટ અંતર્ગત ભૂરા અને લીલા એમ બે કલરની ડસ્ટબીન ઘરદીઠ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વેરો ભર્યો હોય તેને ડસ્ટબીન આપવામાં આવે છે. 
આજે સેકટર – ૩/એ-ન્યુ માં ડસ્ટબીન વહેચણીનું કામ શરૂ કરાયું હતું. જેમાં વસાહતના પ્રમુખ સહિત મંડળે પણ સુચારૂ વ્યવસ્થા અને વહેંચણીમાં મદદ કરી હતી. કોર્પોરેશનના સેનેટરી અરવીંદભાઈએ સમગ્ર સંચાલન પાર પાડયું હતું. 
ડોર ટુ ડોર કલેક્શન માટે ૧૨ લિટરની અંદાજે ૨૦ હજાર જેટલી ડસ્ટબીનોની ખરીદી કરવામાં આવનાર છે. સુકો અને ભીના કચરાનો અલગ-અલગ નિકાલ લોકો દ્વારા કરવામાં આવે તે માટે ઘરદીઠ વાદળી અને લીલા રંગની એમ બે ડસ્ટબીનો આપવામાં આવી રહી છે. 
કોર્પોરેશન દ્વારા વાદળી ૧૦ હજાર અને લીલા રંગની ૧૦ હજાર ડસ્ટબીનો ખરીદ કરવાની છે. જે અંગેની ભલામણ સ્થાયીને મોકલવામાં આવી છે. શહેરમાં જોકે તંત્ર દ્વારા ડસ્ટબીનો આપવાનું વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા પુરી થયા બાદ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. અંદાજે ૪૦થી ૪૫ હજાર રહેણાંકની મિલકતો છે. તેમાંથી જે લોકોએ મિલકતવેરો ભર્યો છે તે લોકોને આ ડસ્ટબીનો આપવામાં આવી રહી છે.
શહેરમાં મુકવામાં આવેલી કચરાપેટીઓને જે તે સ્થળ પર જ ખાલી કરી દેવા માટે કોમ્પેકેટરોની ખરીદી કરવાની વિચારણા કરવામાં આવી હતી. કોર્પોરેશન માટે આ પ્રકરાના ત્રણ ગાર્બેજ કોમ્પેક્ટર મશીન ખરીદવા માટેની દરખાસ્ત અગાઉ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સ્થાયી સમિતી દ્વારા આ દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી. જે દરખાસ્તને પુનઃ મંજુરી માટે સ્થાયી સમિતીમાં મુકવામાં આવી છે. 
આગામી ૮ જાન્યુઆરીના રોજ મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં આ દરખાસ્તને લીલી ઝંડી મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે થઈને શહેરમાં વિવિધ સ્થળોએ કચરાપેટીઓ મુકવામાં આવી છે. સુકો અને ભીના કચરા માટે અલગ-અલગ રંગની આ પ્રકારે ૧૧૦૦ લીટરની ક્ષમતા ધરાવતી કુલ ૩૭૫ જેટલી કચરાપેટીઓ મુકાયેલી છે. આ કચરાપેટીઓને ઉપાડીને લઈ જવાને બદલે જે તે જગ્યા પર જ તેની અંદરનો કચરો ખાલી કરી દઈને કચરાપેટીને સ્થળ પર પુનઃ મુકી દેવાય તે માટે કોમ્પેક્ટર ઉપયોગરૂપ છે. 

Previous articleબોલો…તબીબના સ્થાને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરે છે
Next articleજાન્યુ. અંતમાં વિધાનસભાની મળશે બેઠક, નવા અધ્યક્ષની યોજાશે ચૂંટણી