ભારતીય લશ્કરી દળોએ સરહદ ઉપર મોટી કાર્યવાહી કરી છે જેના પરિણામ સ્વરુપે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા યુદ્ધ વિરામનો ભંગ કરીને અવિરત ગોળીબાર વચ્ચે અંકુશરેખા ઉપર ભારતીય જવાનોએ આક્રમક કાર્યવાહી કર છે જેના લીધે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાનના ત્રણ જવાનોના મોત થયા છે. પાકિસ્તાન સૈન્ય દળો દ્વારા આની કબુલાત કરવામાં આવી છે. જો કે ભારતે દાવો કર્યો છે કે પાકિસ્તાન દ્વારા જે વાત કરવામા ંઆવી રહી છે તેના કરતા વધારે નુકસાન પાકિસ્તાનને થયુ છે. પાકિસ્તાને આજે સતત પાંચમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કરીને કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં સેનાની પોસ્ટ અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને કેટલીક વખત ગોળીબાર કર્યો છે. ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ પણ જારી રાખવામાં આવ્યા છે. કાશ્મીરમાં પણ ત્રાસવાદીઓ વધારે સક્રિય થયેલા છે. જો કે પુલવામા બાદ સેનાએ વધુ આક્રમક વલણ અપનાવતા હવે દરરોજ ત્રાસવાદીઓ ઠાર થઇ રહ્યા છે.
ભારતે આજે દાવો કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા તેના ત્રણ જવાનોના મોતની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેને વધારે નુકસાન થયુ છે. રાવલકોટ સેક્ટરમાં અંકુશરેખા ઉપર પાકિસ્તાનના ત્રણ જવાનના ભારતના ગોળીબારમાં મોત થયા છે. પાકિસ્તાન લશ્કરી દળોના મિડયા વિંગ દ્વારા આ મુજબની કબૂલાત કરવામાં આવી છે. બીજી બાજુ ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા ભલે ત્રણ જવાનોના મોતની વાત કરવામાં આવી રહી છે પરંતુ નુકસાન ખુબ વધુ થયું છે.
જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા ગોળીબારમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. બીજી બાજુ પાંચ વર્ષની બાળકી સહિત બે વ્યક્તિના મોત થયા છે. અન્ય ૨૪ લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર બાદ ભારતે જોરદાર કાર્યવાહી કરી હતી. સંઘર્ષ વિરામનો ભંગ કરીને પાકિસ્તાને પૂંચ અને રાજૌરીમાં ગોળીબાર કર્યો હતો જેમાં ભારતીય જવાનો ઘાયલ પણ થયા હતા. બીએસએફની ૧૬૮મી બટાલિયનના ઇન્સ્પેક્ટર ટી એલેક્સ શહીદ થયા હતા.