હાર્દિકને મોટો ફટકો : તરત સુનાવણી કરવાનો ઇનકાર

460

લોકસભાની ચૂંટણી લડવા માગતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આજે બહુ ઝટકો આપ્યો છે. વિસનગરના તોડફોડના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફરમાવતા અને તેને દોષિત ઠરાવતા હુકમને પડકારતી પિટિશનનું અરજન્ટ હીયરીંગ કરવા હાર્દિક પટેલ તરફથી સુપ્રીમકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમકોર્ટે હાર્દિકની અરજીનું અરજન્ટ હીયરીંગ કરવાની ધરાર ના પાડી દીધી હતી અને હાર્દિકના વકીલોએ આ માટે સુપ્રીમકોર્ટને વિનંતી પણ કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે આ અરજીની સુનાવણી તા.૪થી એપ્રિલ પર મુકરર કરી હતી. જેને પગલે હવે હાર્દિકની અરજી તા.૪થી એપ્રિલના રોજ સુનાવણી અર્થે નીકળશે. સુપ્રીમકોર્ટે આજે તેના કેસની અરજન્ટ હીયરીંગ નહી કરતાં હાર્દિકની મુશ્કેલી વધી છે કારણ કે, કદાચ તે લોકસભા ચૂંટણી ના લડી શકે તેવું બને કારણ કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. સિવાય કે, તા.૪થી એપ્રિલે સુપ્રીમકોર્ટ હાર્દિકને કોઇ રાહત આપે તો તે ચૂંટણીમાં ઝંપલાવી શકશે.

બાકી હાલ તો, હાર્દિકની મુશ્કેલી વધી છે. તા.૪ એપ્રિલે ગુજરાત લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. સુપ્રીમ કોર્ટ ૪ એપ્રિલે શું ચુકાદો આપે છે તેના પર હવે બધાની નજર રહેશે. વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં અને બે વર્ષની સજા ફરમાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજી ફગાવવાના ચુકાદાને હાર્દિક પટેલે પણ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. આગામી લોકસભા ચૂંટણી લડી શકાય તે હેતુથી હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં મહત્વની પિટિશન દાખલ કરી છે.

Previous articleમાયાવતીનો એફિડેવિટમાં એકરારઃ જનતાની ઈચ્છાથી પ્રતિમાઓ લગાવી’તી
Next articleઅંકુશરેખા ઉપર એક્શન : ૩ પાક જવાનોના મોત