શાહની સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

589

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહની સામે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી અધિકારીને પત્રલખીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ દાખલ કરવા અપીલ કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તરત જ આદર્શ આચારસંહિતાના નિયમો લાગૂ પડી જાય છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા ૩૦મી માર્ચના દિવસે શનિવારે રોડ શો, રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા. જે જગ્યાએ સરદાર પટેલ પ્રતિમા છે ત્યાં આજુબાજુમાં ત્રણ હોસ્પિટલ છે જેમાં ઇમરજન્સી અને સિરિયસ દર્દીઓને પણ સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ કરવામાં આવેલા છે.

આવી સ્થિતિમાં લાઉડ સ્પીકરની મંજુરી કઈરીતે આપી શકાય છે. સાથે સાથે સમગ્ર રોડ શો દરમિયાન ઠેર ઠેર જે રીતે સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા તેના લીધે હજારો નાગરિકોને ગરમીમાં ભારે પરેશાની થઇ હતી. એકાએક જાહેર માર્ગો પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ અંગે પોલીસ કમિશનર દ્વારા પહેલાથી જ કોઇ જાહેરનામુ કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું ન હતું. જેના લીધે ગરમીમાં ઠેર ઠેર સામાન્ય નાગરિકો ટ્રાફિકમાં અટવાયા હતા. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે સરકારના પૂર્વ ગૃહમંત્રી હોવાથી કાયદાનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પાર્ટી તરફથી માંગ કરાઈ છે. પાર્ટી પ્રવક્તા મનિષ દોશીએ આ અંગે માહિતી આપી હતી.

Previous articleભાજપ પોતાની હાલત ભુલીને બીજા લોકોની પ્રતિષ્ઠા ખરડે છે
Next articleકોંગ્રેસના ચાર ઉમેદવાર જાહેર : હજુ ઘણા નામ બાકી