કોંગ્રેસના ચાર ઉમેદવાર જાહેર : હજુ ઘણા નામ બાકી

1280

એક બાજુ ગુજરાતમાં લોકસભા બેઠકના મોટાભાગના ઉમેદવારોના નામો જાહેર કરી ભાજપ તેની નિર્ધારિત ચૂંટણી વ્યૂહરચના મુજબ આગળ વધી રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત લોકસભાની બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામોની ઝડપથી જાહેરાત થાય તે માટેની કવાયત હાથ ધરી હતી. આજે મોડી સાંજે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડના નેજા હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભા બેઠકો માટે કોંગ્રેસ તરફથી વધુ ચાર ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. જેમાં અમરેલીથી પરેશ ધાનાણી, ગાંધીનગરથી સી.જે.ચાવડા, જામનગરથી મૂળુ કંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમાભાઇ પટેલના નામો જાહેર કરવામાં આવ્યા છે. હવે બાકીના આઠ ઉમેદવારોના નામ એકાદ-બે દિવસમાં જાહેર કરાય તેવી શકયતા છે.

ગાંધીનગર બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની સામે કોંગ્રેસ દ્વારા પહેલેથી અપેક્ષા મુજબ, અનુભવી સી.જે.ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તો, અમરેલીથી વિપક્ષના નેતા એવા કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. બીજીબાજુ, કોંગ્રેસના રાષ્ટ્રીય અને દિગ્ગજ નેતા એહમદ પટેલના નામને લઇ આજે પણ સસ્પેન્સ યથાવત્‌ રહ્યું હતું, ભરૂચ બેઠક પરથી તેમના નામની જાહેરાત આવતીકાલે થાય તેવું મનાઇ રહ્યું છે. આ અગાઉ કોંગ્રેસ દ્વારા પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢ પૂજા વંશ, રાજકોટથી કગથરા,પોરબંદર લલિત વસોયા,બારડોલી તુષાર ચૌધરી, પંચમહાલ ખાંટ અને વલસાડથી જીતુ ચૌધરી એમ સાત ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. તે પહેલાં કોંગ્રેસ દ્વારા આણંદથી ભરતસિંહ સોલંકી સહિતના ચારથી પાંચ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

અત્યારસુધીમાં કોંગ્રેસ દ્વારા આજના ચાર મળી કુલ ૧૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઇ છે અને હવે આઠ ઉમેદવારોના નામ બાકી રહ્યા છે, જેની જાહેરાત એકાદ બે દિવસમાં કરી દેવાય છે. ગુજરાતના વધુ ચાર ઉમેદવારોના નામો જાહેર થતાં કોંગ્રેસમાં ભારે ચર્ચા અને ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. જો કે, હજુ બાકીની બેઠકોના ઉમેદવારોના નામો પર મહામંથન ચાલી રહ્યું છે અને તે પણ એકાદ બે દિવસમાં જાહેર કરી દેવાય તેવી શકયતા છે. ખાસ કરીને અમદવાદ પર્વ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવી મહત્વની બેઠકોને લઇ કોંગ્રેસમાં ભારે ખેંચતાણ અને કશ્મકશ પ્રવર્તી રહી છે, જેને લઇ કોંગી હાઇકમાન્ડ પણ બહુ વિચારીને નિર્ણય લેવામાં માને છે. ઉલ્લેખનીય છે કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હોઇ કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર ઘોષણાની પ્રક્રિયા એકાદ-બે દિવસમાં પૂર્ણ કરી દેવાશે.

Previous articleશાહની સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ દ્વારા ફરિયાદ
Next articleખોરાક વિશે ખોટા ખતરનાક ખ્યાલો