રાજકોટ શાપરીયા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અંકુર વિદ્યાલયમાં છાત્ર-છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. છાત્રાઓએ અવકાશી ગ્રહો સંબંધી પ્રશ્નો પુછતા સચોટ જવાબ આપવામાં આવ્યા હતા. મંગળ ગ્રહ કદી પણ અમંગળ નથી. મંગળ ગ્રહની અમંગળ ભવિષ્યવાણી બંધ કરવા જાથાએ આલબેલ મુકી હતી. પૃથ્વી ઉપર માનસિક નબળા-પછાત, દરિદ્ર વિચારધારાવાળા લોકો હાથના આંગળામાં ગ્રહોના નંગ પહેરતા હોય તે સંબંધી માહિતી આપી હતી. ચમત્કારિક પ્રયોગ શીખડાવી દેવામાં આવ્યા હતા.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે ફળકથનો કરવાવાળા વર્ષોથી મંગળ ગ્રહ અમંગળ છે તેની ભયાનક ભ્રામકતા ઉભી કરી ખાસ કરીને કુંડળીમાં મંગળ છે તેમ બતાવી યુવક-યુવતીઓના લગ્નમાં બાધા નાખે છે. કન્યાઓ માટે મંગળ દુશ્મન ગ્રહ છે. લાખો લોકોને આ ગ્રહની ખોટી ભ્રામકતા બતાવી બરબાદી, અસ્થિર, કલેષયુકત બતાવ્યા છે તેમાં જયોતિષીઓની મોટી ભૂમિકા છે. શ્રદ્ધાળુઓએ જયોતિષીઓ, તાંત્રિકો પાસે ગ્રહ નડતર સંબંધી ફળકથન સ્પષ્ટ લેખિતમાં માંગણી કરવી જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે. મંગળવાળી કન્યાના લગ્નમાં વિલંબ થાય છે તેથી આવા કિસ્સા પરસ્પર સમજાવટ માટે જાથા પોતાનું યોગદાન આપે છે. વિજ્ઞાન જાથાની ટીમના સદસ્યોએ વૈજ્ઞાનિક ચમત્કારિક પ્રયોગો એકના ડબલ, હાથમાંથી કંકુ-લોહી નીકળવું, બેડી તુટવી, અગ્નિનું આપોઆપ સળગવું, પાણીનું સળગવું, પાણીમાં પથ્થર ઉપર આવવો, ધુણવું-સવારીની ડીંડકલીલા, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી વિગેરે પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.