રાજુલા ખાતે પાર્થ ગૃપ અને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વિના મૂલ્યે કાયમી ધોરણે ડાયાલીસીસ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું. જેમાં મોરારીબાપુના વરદહસ્તે તેમજ ધનસુખનાથ બાપુ (ઠવી) વીરડી મહંતની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું.
રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા આ ત્રણ વિસ્તારમાં કિડનીના દર્દીઓને સારવાર માટે ડાયાલીસીસની વ્યવસ્થા આ વિસ્તારમાં ન હોવાથી દર્દીઓને ખુબ જ દુર સુધી ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેવા જવું પડતું હોવાના કારણે તેમજ વાહનોના ખર્ચા પણ મોંઘા પડતા હોય તેવા સમયે રાજુલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા સંસ્થા ટ્રસ્ટ તેમજ પાર્થ ડાયાલીસીસ સેન્ટર અને ઓ.પી.ડી. સેવા શુભ પ્રારંભને મંગળવારના રોજ પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે થયો હતો. જેમાં દરેક દર્દીઓને નિઃશુલ્ક સારવાર તેમજ દવા આપવામાં આવશે. તેમજ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં એક અદ્યતન વિશાળ હોસ્પીટલનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
ડાયાલીસીસ સેન્ટર તાત્કાલીક ચાલુ થાય તે માટે દોલતરાય તુલસીદાસ દાણી ટ્રસ્ટનું બિલ્ડીંગ વિનામૂલ્યે વાપરવા આપવાનું ટ્રસ્ટી છે બીપીનભાઇ લહેરી અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા નક્કી કરેલ છે. જેમાં પાર્થ ગૃપ જેમણે આ બિલ્ડીંગને રીનોવેશન કરાવીને જરૂરી સુવિધા ઉભી કરવામાં સાથ સહકાર આપેલ છે જેનો લાભ દર્દીઓને મળશે જેના કારણે દર્દીના સગા સબંધીઓને મોટી રાહત તેમજ મોટા ખર્ચમાંથી બચત થશે. આ સંપૂર્ણ સેવા રાજુલા શહેરમાં તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, માયાભાઇ આહીર, બાબુભાઇ રામ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરા, ડા.હિતેશભાઇ હડીયા સરકારી હોસ્પીટલના ડા.સ્ટાફ તેમજ પ્રાઇવેટ હોસ્પીટલના તમામ ડોકટરો શહેરના તમામ જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતિ રહેલ.