ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઇ નથી ત્યાં ત્રણ ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા

1205

આગામી તા.૨૩ એપ્રિલના રોજ ભાવનગર લોકસભા બેઠક માટે યોજાનાર ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ તા.૪ એપ્રિલ હોય આજે તા.૨ ને મંગળવાર સુધીમાં હજુ ભાવનગર બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વાર ઉમેદવારના નામની જાહેરાત પણ કરવામાં આવી નથી, છતાં ભાવનગર બેઠક માટે કોંગ્રેસ માંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા.

ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે ગઇકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અન્ય ૪ ફોર્મ પણ ભરાયા છે અને હવે ઉમેદવારી પત્ર ભરવાને માત્ર ૨ દિવસ એટલે કે તા.૪ એપ્રિલ સુધીનો જ સમય છે ત્યારે ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં હજુ કોંગ્રેસ પક્ષ અવઢવમાં છે. આજે મંગળવારે રાત્રી સુધી હજુ ભાવનગર બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરાઇ નથી. જોકે, કોંગ્રેસ દ્વારા મોડી સાંજે ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી તથા જામનગર બેઠક માટેના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાવનગર બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત ન કરાઇ હોવા છતાં કોંગ્રેસમાંથી ૩૦ માર્ચે નિર્મળાબેન ઇશ્વરભાઇ જાનીએ બે ફોર્મ ઉપાડ્યા હતા. જ્યારે આજે ૨ એપ્રિલે પાટણાના મનહરભાઇ નાગજીભાઇ પટેલે ૪ ફોર્મ તેમજ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા શીવભદ્રસિંહ દીલાવરસિંહ ગોહિલે પણ ૪ ફોર્મ ઉપાડ્યા હતા. આમ, ભાવનગર બેઠક માટે સત્તાવાર જાહેરાત ન થઇ હોવા છતાં કોંગ્રેસમાંથી ૩ ઉમેદવારોએ કુલ ૧૦ ફોર્મ ઉપાડ્યા હતા. હવે આવતીકાલે સત્તાવાર જાહેરાત થાય તેવી કોંગ્રેસમાં ચર્ચાઓ થઇ રહી છે.

મંગળવારે એક જ દિવસમાં ૩૦ ફોર્મનો થયેલો ઉપાડ

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે કલેકટર કચેરી ખાતેથી ૧૨ ઉમેદવારોએ ૩૦ ફોર્મનો ઉપાડ કર્યો હતો. અગાઉ કુલ ૫૧ ફોર્મ ઉપડ્યા હતા અને આજે ૩૦ મળી અત્યાર સુધીમાં કુલ ૮૧ ફોર્મનો ઉપાડ થયો છે. ભાવનગર બેઠક માટે આજે જનસંઘર્ષ વિરાટ પાર્ટીમાંથી રામદેવસિંહ બી. ઝાલાએ બે ફોર્મ, આંબેડકર ઓફ ઇન્ડીયા પાર્ટીમાંથી નાથાલાલ બચુભાઇ વેગડે ૧, કોંગ્રેસમાંથી મનહરભાઇ પટેલે ૪, ગુજરાત જનચેતના પાર્ટીમાંથી શૈલેષભાઇ રંગપરાએ ૪, અપક્ષમાંથી પંકજભાઇ મોહનભાઇ સાંડીસે ૨, પુરણચંદ્ર એમ. મહેતાએ અપક્ષમાંથી ૨, ભરતભાઇ સોંદરવાએ અપક્ષમાંથી ૨, કોંગ્રેસમાંથી શીવભદ્રસિંહ ગોહીલે ૪, રફીકભાઇ એમ.સૈયદે અપક્ષમાંથી ૧, હરેશભાઇ બાબુભાઇ વેગડે અપક્ષમાંથી ૨, મહમદખાન ઉસ્માનખાન પઠાણે અપક્ષમાંથી ૪ તથા બહુજન સમાનવાદી પાર્ટીમાંથી હિંમાશુ પી. જાદવે ૨ ફોર્મ ઉપાડ્યા હતા.

Previous articleકાનીયાડ ગામેથી ઇગ્લીંશ દારૂની ૧૦૫ બોટલ ઝડપાઇ
Next articleગરમીમાં રાહત આપતા લીલા નાળીયેલ