પાટનગરમાં ગરમી આકરી બનીઃતાપમાન ૪૧ ડિગ્રીએ

617

પાટનગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મહત્તમ તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે ઉનાળાની ગરમી આકરી બની ગઇ હોય તેવા વાતાવરણનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. ત્યારે મંગળવારે ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી જતાં સીઝનની સૌથી વધુ ગરમીનો સામનો લોકોને કરવો પડયો હતો.

તો બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાતાં દિવસ દરમિયાન તેની અસર અનુભવવા મળી હતી. ત્યારે હિટવેવની અસર વચ્ચે ગાંધીનગરમાં ગરમી પણ આક્રમક બનતાં લોકો અકળાયા છે.

આમ તો દર વર્ષે ફાગણ માસના પ્રારંભથી જ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ જતો હોય છે પરંતુ બદલાતા જતાં વાતાવરણના પગલે આ વર્ષે ગરમીની મોસમનો પ્રારંભ પણ મોડો થયો છે. તો બીજી તરફ હજુ પણ રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાતાં વહેલી સવારે ઠંડકનો સામનો પણ લોકો કરી રહ્યાં છે.

આમ છેલ્લા એક સપ્તાહથી બદલાયેલી આબોહવાના કારણે હવામાન ખાતા દ્વારા રાજ્યના હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે – ત્રણ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં પણ વધઘટ નોંધાઇ રહી છે. ફાગણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે. ત્યારે ગરમી પણ ધીમે ધીમે આકરી બનતી જતી હોય તેવી અસરનો સામનો લોકો હાલમાં કરી રહ્યાં છે.

ત્યારે રાજ્યના પાટનગરમાં પણ મંગળવારે મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં સીઝનના સૌથી વધુ ગરમ દિવસનો સામનો નગરજનોએ કર્યો હતો. સોમવારે મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. તેમાં વધારો નોંધાતા મંગળવારે ૪૧ ડિગ્રીએ આવીને ગરમીનો પારો અટક્યો હતો. તો લઘુત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં ૨૦ ડિગ્રીએ પહોંચ્યો હતો.

તો બીજી તરફ ભેજના પ્રમાણમાં થઇ રહેલાં વધ-ઘટના પગલે દિવસ દરમિયાન ગરમી પણ આકરી બની હતી. જેની અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી હતી. આમ ગરમીમાં વધારો નોંધાતાં વીજ માંગ પણ વધી જવા પામી છે. ત્યારે નગરજનો પણ ગરમીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં રહેવાનું જ મુનાસીફ માની રહ્યાં છે તો દિવસ દરમિયાન ગરમીની અસરના કારણે માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યાં છે.

તો મોડી સાંજ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરમાં આવેલા બગીચાઓમાં પણ માનવ મહેરામણ ઉમટી પડે છે અને ઠંડકનો આનંદ પ્રાપ્ત કરે છે. ત્યારે ચૈત્રમાસ અગાઉ જ ગરમીના પારામાં જે પ્રકારે વધારો થઇ રહ્યો છે તેના પગલે આગામી દિવસોમાં ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Previous articleડો.સી.જે ચાવડા આજે વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે
Next articleસાબરકાંઠામાં સદી વટાવી ચુકેલા ૯૫ મતદારો, ઈડરમાં સૌથી વધુ ૩૬