ડો.સી.જે ચાવડા આજે વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે

798

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો.સી.જે ચાવડાની સત્તાવાર જાહેરાત મંગળવારે સાંજે કરવામાં આવી હતી. તેના પગલે ગાંધીનગર જિલ્લાના કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ડો. ચાવડા ૪ એપ્રિલને ગુરુવારના રોજ બપોરના ૧૨-૩૯ વાગ્યે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. સૌપ્રથમ તેઓ વાસણિયા મંદિર ખાતે વૈજનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જવા માટે પ્રસ્થાન કરશે.

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી ગાંધીનગર બેઠક માટે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય ડો. સી.જે ચાવડાનું નામ ઉમેદવાર તરીકે ચર્ચામાં આવ્યુ હતું. જો કે કોંગ્રેસ દ્વારા લાંબી પ્રતિક્ષા કરાયા બાદ આખરે મંગળવારે તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. તે અગાઉથી ડો.ચાવડાએ લોકસભાના ઉમેદવાર તરીકે પ્રચાર કાર્ય શરૂ કરી દીધુ હતું. જો કે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થાય તે પહેલા તેમણે લોકસભા વિસ્તારમાં આવતી ૭ વિધાનસભા મત વિસ્તારનો પ્રવાસ પુરો કરી ચૂક્યા છે.    જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું કે ગાંધીનગર લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર ડો. સી.જે ચાવડાના નામની સત્તાવાર જાહેરાતના પગલે કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. ગાંધીનગર માણસા રોડ ઉપર આવેલા વાસણિયા મહાદેવના મંદિરે ગુરૂવારે સવારે ૯ વાગ્યે ડો. ચાવડા કાર્યકરોના કાફલા સાથે પહોંચી જશે. ત્યાં મહાદેવની પૂજા કર્યા બાદ રેલી સ્વરૂપે ગાંધીનગર કલેક્ટર કચેરીએ જવા નીકળશે. તે દરમિયાન રાંધેડા ચોકડી ખાતે અને પેથાપુર ચોકડી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ બન્ને સ્થળે ખુબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહેશે. રેલીમાં જીપ, ઈકો, મેટાડોર અને કારના કાફલા સાથે કાર્યકરો જોડાશે.

Previous articleમલેશિયા ઓપનઃ પીવી સિંધુ અને શ્રીકાંતે બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન
Next articleપાટનગરમાં ગરમી આકરી બનીઃતાપમાન ૪૧ ડિગ્રીએ