ગાંધીનગરઃ કચ્છ જિલ્લામાં દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવી રહ્યા છે. હાલ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશરો લીધો છે. મહેસૂલ વિભાગને કલેક્ટરો દ્વારા સોંપાયેલા રિપોર્ટ પ્રમાણે કચ્છમાંથી ૧૪,૮૧૨ જેટલા પશુઓ સાથે માલધારીઓએ હિજરત કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશરો મેળવ્યો છે.
સમગ્ર કચ્છ જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે અને સરકાર દ્વારા તમામ સહાય અને પૂરતી વ્યવસ્થા કરાઇ હોવાના દાવા વચ્ચે માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. હિજરત કરીને આવેલા માલધારીઓના પશુઓને તેમણે આશરો લીધો હોય તે સ્થળે કેટલ કેમ્પ, ગૌશાળા- પાંજરાપોળમાં દાખલ કરવાની મંજૂરી મહેસૂલ વિભાગ દ્વારા અપાઇ છે.
સરકારમાં રજિસ્ટર્ડ હોય તેવા કેટલકેમ્પ, ગૌશાળા- પાંજરાપોળમાં સ્થાનિક પશુઓ માટે જ સબસિડીનો લાભ આપવાનો નિયમ છે પરંતુ હિજરત કરીને આવેલા માલધારીઓ માટે સરકારે આ મંજૂરી આપી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર કલેક્ટરને આવા પશુઓને સ્થાનિક કેટલકેમ્પમાં દાખલ કરવા સૂચના અપાઇ છે. એક માલધારી દીઠ વધુમાં વધુ ૪૦ પશુઓની મર્યાદામાં ઢોરવાડામાં દાખલ કરી શકાશે. હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ આ સૂચના જારી કરી છે.