લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભારે રસાકસી દેખાઇ રહી છે. કોંગ્રેસ હજી આઠ ઉમેદવારોની પસંદગી કરી તેની જાહેરાત કરવામાં અટવાયેલી છે, ત્યાં લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો હોવાની વાત સામે આવી રહી છે. રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે મનાઈ કરી હોવાથી બન્ને નેતાઓએ ના પાડી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે, આ બંને દિગ્ગજ નેતાઓએ લોકસભામાં ચૂંટણી નહી લડવાનું મન બનાવતાં તેમના સમર્થકો-ટેકેદારોમાં પણ થોડી નિરાશા પ્રવર્તી હતી. ગુજરાત કોંગ્રેસના સૂત્રોના મતે, કોંગ્રેસના રણનીતિકાર કહેવાતા અહેમદ પટેલ વર્તમાન રાજ્યસભા સાંસદ છે, અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પાર્ટીના બિહારના પ્રભારી છે. એવું મનાઇ રહ્યું છે કે, બંને નેતાઓએ સંગઠનનું કામ પ્રભાવિત ન થાય તે માટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. અગાઉ એવી અટકળો તેજ બની હતી કે, કોંગ્રેસ અહેમદ પટેલને ભરૂચથી ચૂંટણી લડાવશે. ભરૂચની સીટ પર અહેમદ પટેલનું પહેલાથી વર્ચસ્વ રહેલું છે, તેઓ અહીંથી ત્રણ વખત સાંસદ પર રહી ચૂક્યા છે. અહેમદ પટેલ ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસના સાંસદ રહ્યા છે. પરંતુ વર્ષ ૧૯૮૯માં રામ મંદિર મુદ્દાને કારણે તેઓ હારી ગયા હતા. ત્યારથી આજ સુધી ભરૂચ સીટ પર કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી.