વેરાવળ નવા આવેલા એએસપી વસાવા તથા પોલીસ સ્ટાફ બે ત્રણ દિવસથી રાત્રીના ૧૧ કલાકે નાઇટ પેટ્રોલીંગમાં દુકાનો બંધ કરાવવા નિકળતા હોય આજે રોજની જેમ બંદર રોડ ખારવાવાડ પર નિકળતા બે લથડીયા ખાધેલી હાલતમાં શખ્શોને પકડી પૂછપરછ કરતા આ વખતે ત્યાં હાજર રહેલા ૧૦૦ના ટોળાએ ઉશ્કેરાઇ જઇ પોલીસ સામે સોડાબોટલ, પથ્થરોના ઘા મારતા અને એક બાઇક તથા ટાટા સુમો ગાડીને નુકશાન કરતા અને પોલીસના હેડકોન્સ્ટેબલને ઇજા કરતા પોલીસે ૧૦૦ના ટોળા સામે વાહનોને નુકશાન તથા પોલીસ પર હુમલો કર્યાની ફરિયાદ કરી હતી.
વેરાવળના હેડકોન્સ્ટેબલ કરશનભાઇ નાથાભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ લાલો ખારવો, છોટુ મોનજી ગોહેલ, છોટુ બબાભાઇનો ભાઇ કિશોર,વિનુ ઉર્ફે ચાપિયો, પ્રભુદાસ ઉર્ફે પ્રભુળીયો, રમેશ ઉર્ફે ચગલો, કાળો પાન વાળો, ધરમશી લખમ, જાદવ ફોફંડી,નવનીત ફોફંડી સહિત ૧૦૦ માણસોએ પોલીસ પર પથ્થરમારો, સોડા બોટલના ઘા, લાકડાના ધોકાના ઘા કરી એક બાઇકને નુકશાન તથા પોલીસની ટાટા સુમો ગાડી પર પથ્થર મારો કર્યો હતો. જો કે તુરંતમાં જ વેરાવળ અને પાટણથી પોલીસ દોડી આવી ૧૦ જેટલી પોલીસ વાન સાથે ખારવાવાડમાં કોમ્બીંગ હાથ ધરી મામલો થાળે પાડયો હતો.